ટ્રક પાછળ કાર ઘુસી જતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં મોત
આણંદ એક્સપ્રેસ હાઇવે પરનો બનાવ
આણંદ, એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ કાર અથડાઇ જતા આ ગમખ્વાર અકસ્માત થયો છે.
ખંભોળજ પોલીસ દ્વારા આ અંગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ કારમાં સવાર યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયના કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં મોતનો કોળિયો બનેલા ત્રણેવ યુવાનો ડાકોરનાં રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેના કારણે પરિવાર સહિત આખા ડાકોરમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માતને કારણે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બે દિવસ પહેલા પણ હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવો જ અકસ્માત સામે આવ્યો હતો. પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બાઇક સવાર પ્રાંતિજના વડવાસાના દંપતીને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. દંપતીને સારવાર અર્થે ખસેડવામા આવ્યા અને સારવાર દરમિયાન દંપતીનું મોત થયું હતું.મૃતક યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી.