ટ્રક સાથે કાર ટકરાતાં બે ડૉક્ટર સહિત ત્રણનાં મોત
બરનાલા: પંજાબના બરનાલા જિલ્લામાં લુધિયાના હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોનાં કરૂણ મોત થયા છે જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. મૃતક કારમાં સવાર થઇને માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલક ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલ પંપ પર વળ્યો ત્યારે જ પાછળથી આવી રહેલી કાર સીધી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં ઘાયલ યુવતીની ગંભીર સ્થિતિને જાેતાં તેને પીજીઆઈ ચંદીગઢ રેફર કરી દેવામાં આવી છે. મૃતક એકબીજાના સગા-વહાલા હતા.
બીજી તરફ દુર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ ડૉ. રમેશ, ડૉ. સંજય સિંગલા અને કમલદીપ જિંદલ તરીકે થઈ છે. તેઓ કાલાંવાલીના નિવાસી છે. યુવતીની ઓળખ પ્રિયા તરીકે થઈ છે જે મૃતક ડૉ. સંજય સિંગલાની પત્ની છે. ચારેય કાર સવર ચિંતાપૂર્ણી (હિમાચલ પ્રદેશ)થી હરિયાણાના કાલાંવાલી પરત ફરી રહ્યા હતા.
આ દુર્ઘટના અંગે વધુ જાણકારી આપતા પેટ્રોલ પંપ ખાતે કામ કરનારા અને પ્રત્યક્ષદર્શી મોનૂએ જણાવ્યું કે, સવારે ૭ઃ૩૦ વાગ્યાની આસપાસ લુધિયાણા તરફથી ટ્રક આવી રહી હતી અને તે ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલ પંપ તરફ વળી. એટલામાં પાછળથી ખૂબ જ સ્પીડમાં આવી રહેલી કાર ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ ગઈ જેમાં ૨ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિનું હૉસ્પિટલમાં મોત થયું. અકસ્માતમાં ઘાયલ યુવતીને પહેલા બરનાલા હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગુરતાર સિંહે જણાવ્યું કે ટ્રક તથા કાર બંને લુધિયાણા તરફથી આવી રહ્યા હતા.
કાર સવાર માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રક ચાલક ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ તરફ વળ્યો ત્યારે જ પાછળથી કાર ટ્રક સાથે ટકરાઈ ગઈ. આ ભયાનક દુર્ઘટનામાં ૨ લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા જ્યારે અન્ય ૨ ઘાયલ લોકોને બરનાલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં વધુ એકનું મોત થયું. યુવતીની સ્થિતિ નાજુક છે. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.