ટ્રમ્પના અમદાવાદના પ્રવાસને લઇ મોટેરા સ્ટેડિયમ નજીક હેલિપેડ માટે તૈયારી શરૂ
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનમાં અમદાવાદની મુલાકાત આવવાના છે. આ સૂચિત કાર્યક્રમને લઈને વહિવટી તંત્રએ કમર કસી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કહેવાય છે કે ટ્રમ્પ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે આથી ટ્રમ્પની મુલાકાત માટે સ્ટેડિયમ નજીક હેલિપેડ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમના કમ્પાઉન્ડ પાસે હનુમાન મંદિર પાસેથી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સહિતના વીવીઆઈપીની એન્ટ્રી થશે.
ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ‘હાઉડી મોદી’ની જેમ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે.જોકે, હજુ આ કાર્યક્રમને સત્તાવાર સમર્થન નથી મળ્યું પરંતુ આ મુલાકાત અંગે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિવેદન આપ્યું હતું.દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં નિવેદન આપ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાતે આવવાના છે
જેનો વિકાસ વડાપ્રધાન મોદીએ કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સંભવિત મુલાકાતને લઈને સાબરમતી વિસ્તારમાં રોડ રસ્તાના કામો પૂરજોશમાં છે. વિશ્વમાં સૌથી વધુ સુરક્ષા અમેરિકાના પ્રમુખને મળે છે. અમેરિકન પ્રમુખ જે વિસ્તારની મુલાકાત કરે છે તે વિસ્તારમાં પ્રોટોકોલ મુજબ હવાઈ મુસાફરી પણ ડિસ્ટર્બ થઈ જાય છે. અમેરિકન પ્રમુખ પોતાની કાર અને એરફોર્સના હેલિકોપ્ટરમાં જ પ્રવાસ કરે છે. જો, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ આવશે તો તે અમેરિકન એરફોર્સના હેલિકોપ્ટરમાં જ સવારી કરશે.