ટ્રમ્પની ડ્રોન વડે હત્યા કરવાની ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી
તેહરાન, અમેરિકા અને ઈરાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભારે તનાવ જોવા મળ્યો હતો અ્ને તેમાં પણ ટ્રમ્પના આદેશના પગલે અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી નાંખી હતી.
એ પછી બંને દેશો વચ્ચે સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ રહ્યા નથી ત્યારે ઈરાને તેમની ડ્રોન હુમલામાં હત્યા કરવાની આડકતરી રીતે ધમકી આપી છે.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના ટ્વિટર એકાઉન્ટ પરથી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાતા એક ગોલ્ફરની તસવીર શેર કરવામાં આવી છે અને તેમાં દર્શાવાયુ છે કે, આ ગોલ્ફરને એક ડ્રોન વડે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને પણ ગોલ્ફ રમવાનો શોખ છે.
સાથે સાથે આ એકાઉન્ટ પરથી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા જનરલ સુલેમાનીની હત્યાનો બદલો લેવાના શપથ પણ લેવાયા છે.ખામેનીના અગાઉ કરેલા બદલો લેવાનુ નિશ્ચત છે… વાળા નિવેદનને આ ફોટા સાથે કેપ્શન તરીકે મુકવામાં આવ્યુ છે.
આ પહેલા પણ ઈરાનના સુપ્રીમ લીડરના એકાઉન્ટ થકી કહેવામાં આવ્યુ હતુ કે, જે લોકોએ સુલેમાનની હત્યાનો આદેશ આપ્યો હતો તેમને સજા આપવામાં આવશે. આ બદલો યોગ્ય સમયે લેવામાં આવશે.