Western Times News

Gujarati News

ટ્રમ્પની મુલાકાતના કવરેજ માટે દૂરદર્શન ઇન્ડિયાએ તમામ તૈયારીઓ કરી લીધી

નવી દિલ્હી,  દૂરદર્શન દ્વારા ડીડી ઇન્ડિયા માટે લાઇવ ફીડ તૈયાર કરવા અમદાવાદ, આગ્રા અને નવી દિલ્હીમાં સંખ્યાબંધ સ્થળોએ હાઇડેફિનેશન (HD) OB વાનનો વિશાળ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને કેમેરા ગોઠવી દેવાયા છે. આ ફીડ્સ વૈશ્વિક સ્તરે વિતરિત કરવામાં આવશે.

ભારતના સાર્વજનિક પ્રસારણકર્તા- પ્રસાર ભારતીના ટેલિવિઝન નેટવર્ક દૂરદર્શને તેમની અંગ્રેજી સમાચાર ચેનલ “ડીડી ઇન્ડિયા”ના માધ્યમથી સમગ્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતના વૈશ્વિક કવરેજ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

અમેરિકા અને યુરોપના મુખ્ય ટીવી નેટવર્ક ડીડી ઇન્ડિયાના વૈશ્વિક લાઇવ ફીડનો ઉપયોગ કરશે તે ઉપરાંત, આ કાર્યક્રમને ડીડી ઇન્ડિયાના માધ્યમથી કોરિયામાં myk પ્લેટફોર્મ પર તેમજ બાંગ્લાદેશમાં પણ સેટેલાઇટના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો ડીડી ઇન્ડિયાની લાઇવ ફીડ યુટ્યૂબના માધ્યમથી (https://www.youtube.com/channel/UCGDQNvybfDDeGTf4GtigXaw) તેમજ પ્રસાર ભારતીના એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન્યૂઝ ઓન એર નામના વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ પરથી નિહાળી શકશે.

અમદાવાદમાં દૂરદર્શન દ્વારા એરપોર્ટ પર 16 કેમેરા સાથે એક OB વાન અને સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) ખાતે 24 કેમેરા સાથે બે OB વાન તૈનાત કરવામાં આવી છે. રોડ શોના સંપૂર્ણ કવરેજ માટે 45 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. રોડ શો માટે 45 કેમેરાના જોડાણ સાથે પ્રોડક્શન કંટ્રોલરૂમ ઇન્દિરા બ્રીજથી સ્ટેડિયમના રૂટ પર તૈયાર કરવામાં આવ્યો છે. સાબરમતી આશ્રમ ખાતે 7 કેમેરા સાથે અન્ય એક OB વાન ગોઠવવામાં આવી છે.

એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ, સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ આ ચારેય જગ્યાની પ્રોડક્શન કંટ્રોલ પેનલ ઓપ્ટિકલ ફાઇબરના માધ્યમથી લિંક કરેલી છે જેથી દિલ્હી ખાતે તેને અપલિંક કરી શકાય. આ કવરેજમાં પ્રોડક્શન અને ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજમેન્ટ માટે 50 કિમીથી વધુ મોટુ ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક, તેમજ અંદાજે 100 જેટલા કેમેરાપર્સન અને અન્ય સ્ટાફ સામલે છે.

આગ્રા ખાતે, રોડ શો માટે 10 કેમેરા HD પ્રોડક્શન સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 3 HD DSNG છે. દિલ્હી ખાતે, 10 કેમેરા સાથે એક HD OB અને રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રાસંગિક સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અને સાંજે બેન્ક્વેટ માટે 2 HD DSNG ગોઠવવામાં આવ્યા છે. 8 કમેરા સાથે એક HD OB અને 2 HD DSNG હૈદરાબાદ હાઉસ ખાતે દ્વીપક્ષીય વાર્તાલાપ અને સમજૂતી કરારો પર હસ્તાક્ષરને અનુલક્ષીને તૈનાત કરવામાં આવ્યા છે. એક HD DSNG દિલ્હીમાં એરપોર્ટ ખાતે આગમન અને વિદાયના કવરેજ માટે છે. રાજઘાટ ખાતે પણ બે HD DSNG ગોઠવવામાં આવ્યા છે.

આ વ્યાપક તૈયારીઓ અને ગોઠવણી સાથે પ્રસાર ભારતીની વૈશ્વિક અંગ્રેજી સમાચાર ચેનલ ડીડી ઇન્ડિયાએ વિવિધ શહેરોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારત યાત્રાના સંપૂર્ણ કવરેજ માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.