ટ્રમ્પની મુલાકાત: એરપોર્ટમાં 3 કલાક સુધી ફ્લાઇટની અવર-જવર બંધ કરાશે
અમદાવાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૩ દિવસીય ભારતપ્રવાસ દરમિયાન ૨૩ ફેબુ્રઆરીએ અમદાવાદ આવે તેવા ચક્રો ગતિમાન થયા છે. ટ્રમ્પની ૩-૪ કલાકની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે તમામ ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભારતપ્રવાસને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હાલની સંભાવના અનુસાર ટ્રમ્પ ૨૩ ફેબુ્રઆરીએ અમદાવાદમાં આવી શકે છે. અમદાવાદમાં ૩-૪ કલાકના રોકાણ દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમામ ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવી શકે છે.
આમ, સમગ્ર અમદાવાદને ‘નો ફ્લાય ઝોન’ હેઠળ આવરી લેવામાં આવે તેવી સંભાવના છે. ટ્રમ્પની મુલાકાત વખતે અમદાવાદ આવનારી તમામ ફ્લાઇટને વડોદરા ખાતે ડાઇવર્ટ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જોકે, આ અંગે અમદાવાદ એરપોર્ટે હાલ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી ઇન્કાર કર્યો છે. ટ્રમ્પની મુલાકાતને આખરી ઓપ અપાયા બાદ અમેરિકન પ્રમુખની સુરક્ષા સમિતિના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદની મુલાકાતે આવશે. જેમાં તેઓ અમદાવાદ એરપોર્ટ, સાબરમતી આશ્રમ, મોટેરા સ્ટેડિયમનું નિરિક્ષણ કરશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમ ખાતે ‘હાઉડી ટ્રમ્પ’ જેવો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાઇ શકે છે.