ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને વિઝા સેન્ટરની ભેટ મળી શકે છે

(એજન્સી) અમદાવાદ, યુએસ.ના વિઝા લેવા માટે ભારતમાંથી કરવામાં આવતી અરજીઓ કરનારાઓમાં સૌથી વધુ ગુજરાતીઓની હોય છે. ગુજરાતમાં અમેરીકન વિજા સેન્ટરની માંગણી વર્ષો જૂની પડતર છે. વ્હાઈટ હાઉસે અમેરીકન પ્રેસિડેન્ટની ગુજરાતની મુલાકાત સંદર્ભે કરેલા ટ્વિટમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ભારત અને અમેરીકા વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદની મુલાકાત વખતે ટ્રમ્પ ગુજરાતીઓને વિઝા સેન્ટરની ભેટ આપે એવી સંભાવના દેખાઈ રહી છે.
યુએસમાં ગુજરાતીઓ વધુ જતા હોવાથી માંગણી- ‘ચાલો ગુજરાત’ના પ્રણેતા પ્રફુલ્લભાઈ નાયક સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે યુએસમાં વસતા એશિયનોમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની છે. ભારતમાં અન્ય રાજ્યો કરતા અમેરીકા જનારા લોકો ગુજરાતીઓ જ હોય છે. હવે ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાતને વિઝા સેન્ટર ફાળવવાની વર્ષો જૂની માંગણી સ્વીકારાય તો ગુજરાતીઓને તમામ પ્રકારે સરળતા રહેશે.