ટ્રમ્પને ગાંધી આશ્રમ લાવવાના અંતિમ પ્રયાસો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહયા છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર તેમને આવકારવા આતુર બન્યુ છે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાતે નથી જવાના તે વાતને લઈ સુરક્ષા એજન્સીઓ તથા સરકારી તંત્ર મુંઝવણમાં મુકાયુ છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ આજે વિશ્વભરમાં અહિસાનો સંદેશો આપે છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે જાકે હાલમાં ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે તે રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં સમગ્ર ગાંધી આશ્રમમાં એનએસજી કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ભારતને ગુલામીમાંથી મુકત કરાવવા માટે અહિસાનો માર્ગ અપનાવી વિશ્વભરના દેશોને નવી દિશા ચિંધનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો છે આજે આ આશ્રમ વિશ્વભરમાં જાણીતો છે અને કોઈપણ મહાનુભાવ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે પહેલા જ ગાંધી આશ્રમની મુલાકાત લેતા હોય છે અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાબરમતી આશ્રમ સાક્ષી બન્યું છે જેના પરિણામે ગાંધી આશ્રમ આજે મહત્વનું સ્થાન ધરાવે છે.
અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહયા છે તેઓ સીધા જ અમદાવાદ આવવાના છે અને અમદાવાદથી દિલ્હી જવાના છે ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના રોકાણ દરમિયાન પ્રથમ દિવસે એટલે કે તા.ર૪મીએ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના હતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે અને ત્યારબાદ આ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે. સ્ટેડિયમની અંદર એક લાખ કરતા વધુ નાગરિકો ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદ શહેરમાં તા.ર૪મીએ મોટી સંખ્યામાં નાગરિકો ટ્રમ્પના કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચવાના છે જાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.ર૩મીએ સાંજે જ અમદાવાદ આવી પહોંચવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પોર્ટોકોલનો ભંગ કરી જાતે જ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવાના છે અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ ગાંધીઆશ્રમ જવાના હતા પરંતુ છેલ્લા બે દિવસથી ટ્રમ્પના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આગ્રામાં આવેલા વિશ્વની અજાયબી તાજમહેલને જાવાની ઈચ્છા વ્યકત કરી છે જેથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાત નહી લે તેવુ જાણવા મળી રહયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમને લઈ સરકારી એજન્સીઓ મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ છે. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારોને શણગારવામાં આવ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગાંધી આશ્રમ નથી જવાના તે જાણી સુરક્ષાકર્મીઓ પણ મુંઝાયા છે હાલમાં સાબરમતી ગાંધીઆશ્રમનો કબજા એનએસજી કમાન્ડો પાસે છે
અનેક નેતાઓ અને સ્વેચ્છીક સંસ્થાઓ ગાંધી આશ્રમ એ દેશની શાન છે અને તેની મુલાકાત ટ્રમ્પે લેવી જાઈએ તેવી લાગણી વ્યકત કરી છે અને આ લાગણી અમેરિકા વ્હાઈટ હાઉસ સુધી પહોંચી છે. જેના પગલે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શકયતાઓ જાવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ રોડ શો યોજવાના છે અને હવે તેઓ સીધા મોટેરા સ્ટેડિયમ જાય છે કે ગાંધી આશ્રમ જાય છે તેના પર સૌ કોઈની નજર છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધીઆશ્રમ લાવવા માટેના અંતિમ પ્રયાસો શરૂ કરી દેવાયા છે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે અમેરિકાના વિદેશ મંત્રાલય સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું પણ જાણવા મળી રહયું છે. ગાંધી આશ્રમની મુલાકાત લઈ વિશ્વભરના દેશોને ખાસ સંદેશો પહોંચાડવાનો આગ્રહ ભારત દ્વારા રાખવામાં આવી રહયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાંથી ઉઠેલી આ માંગણીને ધ્યાનમાં રાખી ગઈકાલથી સ્થાનિક એજન્સીઓ દ્વારા ચર્ચા વિચારણા શરૂ કરી છે અગાઉ વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ ગાંધી આશ્રમ જવાના હતા પરંતુ ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
જાકે હવે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની મુલાકાતના સમયમાં ઘટાડો કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા બાદ તરત જ તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચવાના છે અને ત્યાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે આ તમામ કાર્યક્રમોના સમયમાં કાપ મુકયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદથી સીધા આગ્રા જાય તેવી શક્યતા છે. જાકે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ લાવવા માટેના સક્રિય પ્રયાસો શરૂ કરી દેવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીઆશ્રમ એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેકટને લઈ ઉગ્ર વિરોધ થયો છે જેના પગલે હાલમાં સુરક્ષા એજન્સીઓ વિરોધ કરનાર આગેવાનોને શોધી રહી છે અને બીજીબાજુ ગાંધી આશ્રમમાં મોદી અને ટ્રમ્પને મુલાકાતને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.