ટ્રમ્પનો ઈમિગ્રેશન પ્રતિબંધ EB-5, E2 અને L1 એ વિઝા પર લાગૂ નહીં – પરેશ કારિયા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ મારફત અમેરિકામાં ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો હોવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગ્રીન કાર્ડ્સ ઈશ્યૂ કરવા પર 60 દિવસનો પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટીવ ઓર્ડર પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. કોરોના વાયરસને લીધે અમેરિકાના નાગરીકોને વિદેશી કામદારોની હરીફાઈથી સુરક્ષિત રાખવા અર્થે આ પગલુ લેવામાં આવ્યુ છે.
શ્રી પરેશ કારિયા (ઈમિગ્રેશનમાં નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)એ જણાવ્યું કે, “આ જાહેરાતથી અમેરિકામાં આપણા લોકોમાં ઘણી મૂંઝવણ અને અસ્વસ્થતા ઉભી થઈ છે જે ભારતમાં પણ છે”
જેને ધ્યાનમાં રાખતા અમે એક્ઝિક્યુટીવ ઓર્ડર અને અન્ય જાહેરાતોનુ વિશ્લેષણ કરી તારણ કાઢવા પ્રયાસ કર્યો છે.
શેના પર પ્રતિબંધ છે?
અમેરિકન પરિવારના સભ્યો મારફત વાલીઓ, પુત્ર, કે ભાઈ-બહેન માટે ગ્રીન કાર્ડની માગણી કરતાં લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ દ્વારા સ્પોન્સર કરતાં જીવનસાથી અને બાળકો માટે કાયમી વસવાટ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકાયો છે.
જ્યારે જે લોકોએ રોજગાર અને ઈબી-1 “extraordinary ability” કેટેગરી જેવા હેતુઓ માટે ગ્રીન કાર્ડ માટે આવેદન કર્યુ છે. તેઓ પણ પ્રતિબંધિત કેટેગરીમાં સામેલ છે.
કોણ પ્રતિબંધથી મુક્ત રહેશે?
પ્રથમ તો ઘણા EB-5 રોકાણકારોને મોટી રાહત આપતા તેઓને ઈમિગ્રેશન વિઝા પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેની પાછળનુ કારણ EB-5 વિઝા ધારકોએ મહત્તમ 9,00,000 ડોલરનુ રોકાણ તેમજ ઓછામાં ઓછી 10 નોકરીઓનુ સર્જન કરવાનુ રહે છે. અમેરિકામાં ચૂંટણીના વર્ષમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને વર્તમાન પરિસ્થિતિમાં તેની ખાસ જરૂર છે.
અમેરિકાનુ નાગરિકત્વ ધરાવતા લોકોના જીવનસાથી અને 21 વર્ષ સુધીના બાળકોને ગ્રીન કાર્ડ મળી શકશે.
મેડિકલ પ્રોફેશનલ કે જેઓ “ચિકિત્સક, નર્સ અથવા અન્ય હેલ્થકેર પ્રોફેશનલ તરીકે કોવિડ -19 નો સામનો કરવા માટે કામ કરી રહ્યા છે. તેઓને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, અને તેઓ તેમના જીવનસાથી અને અપરિણિત 21 વર્ષ સુધીની વય ધરાવતા બાળકોને લાવી શકે છે.
બિઝનેસ વિઝા અંગે શુ જોગવાઈ છે?
E-2, L1 વગેરે બિઝનેસ વિઝા પર પ્રતિબંધ લાગૂ થયો નથી. તેઓને અમેરિકામાં બિઝનેસ સ્થાપવા માટે પ્રવેશ મળશે. જે લોકો અમેરિકામાં બિઝનેસ તકોને વિસ્તરિત કરવા વિઝા મેળવવા માગે છે. જે વર્તમાન ઈકોનોમિક ક્રાઇસિસમાં મોટાપાયે સોદાબાજી કરી શકે છે.
અમેરિકામાં રહેતાં લોકો માટે શું?
આ પ્રતિબંધ અગાઉથી વિઝા ધરાવતા લોકો પર લાગૂ થશે નહીં. જે લોકો પાસે ઈમિગ્રાન્ટ, નોન ઈમિગ્રાન્ટ, EB-5, E2, L1, H1B અને F1 વગેરે વિઝા છે. તેઓ અમેરિકામાં રહી શકે છે. કામ અને અભ્યાસ કરી શકે છે. તેમજ અગાની જેમ બિઝનેસ પણ કરી શકે છે.
પ્રતિબંધ કેટલો સમય લાગૂ રહેશે
ઓર્ડર 23 એપ્રિલ,2020થી અમલી બન્યો છે.
જે 60 દિવસ બાદ સમાપ્ત થશે. મુદ્દત સમાપ્તિના 10 દિવસ અગાઉ સત્તાધીશો રાષ્ટ્રપતિને ભલામણો કરશે કે, ઓર્ડર માન્ય રાખવો કે પછી તેમાં ફેરફાર કરવો.
જો કે, અમેરિકાનુ વહીવટતંત્ર લોકડાઉનમાં છે. જેના લીધે જો કોઈ ઈમિગ્રેશન એપ્લિકેશન કે ડોક્યુમેન્ટ્સ પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી તો તેનો અર્થ એવો થશે કે, આ ઓર્ડરની વાસ્તવિક શરતોમાં નહિંવત્ત અસર રહેશે.
(લેખક ઈમિગ્રેશનમાં નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે)