ટ્રમ્પે કોરોનાના ખતરાને પહોચી વળવા અબજો ડોલરની સહાય યોજના ઉપર સહી કરી
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના ખતરાના લીધે આર્થિક પરિસ્થિતિ ઉપર થનારી અવળી અસરને ઓછી કરવા અમેરિકન નાગરિકો માટે અબજો ડોલરની તાકીદની સહાય યોજના ઉપર હસ્તાક્ષર કર્યા છે. કોરોના વાયરસના પ્રથમ પ્રતિભાવ ધારાને લગતા વિધેયકમાં આ રોગથી પીડાતી દર્દીઓને માંદગીને લગતી રજાઓ પગાર સાથે આપવાની તથા કોવિડ-૧૯નો ટેસ્ટ વિના મૂલ્યે કરી આપવાની જોગવાઈ છે. આ વિધેયકમાં બેરોજગાર માટેની વીમા યોજનામાં વધારો, તેમજ અન્ય સહાયની જોગવાઈ પણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટે આ ધારાને બહાલી આપી છે. આ ધારો અમેરિકાની સંધીય સરકારને કોવિડ-૧૯ ના પસાર સામે અસરકારક પ્રતિભાવ આપવાની જોગવાઈ ધરાવે છે. આ વિધેયકમાં વાયરસના કારણે અમેરિકાના નાગરિકોનું આરોગ્ય અને આર્થિક સલામતી ઉપર થનારી અસરોને ઘટાડવાના પગલાંની જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસના કારણે ૧૪૯ લોકોના મોત થયા છે અને આઠ હજાર, ૭૩૬ કેસો નોંધાયા છે.