ટ્રમ્પે સ્ટીલ અને લોખંડ ક્ષેત્રો માટે ઇરાન પર અલગ અલગ પ્રતિબંધો લગાવ્યા
વોશિંગ્ટન, ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવાનું નક્કી કર્યું છે. ટ્રમ્પ પ્રશાસને ઈરાનના ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા બાદ ઈરાન પર આ પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને નાણામંત્રી સ્ટીવન ન્યૂચિને કહ્યું કે નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવાની સાથે જ મંગળવારે થયેલા મિસાઈલ હુમલામાં સામેલ ઈરાની અધિકારીઓને પણ નુકસાન થશે.
હકીકતમાં અમેરિકી ડ્રોન હુમલામાં પોતાના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. ન્યૂચિને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન ક્ષેત્રો સંબંધિત લોકો પર પ્રતિબંધ લગાવવાના શાસકીય આદેશ બહાર પાડ્યા છે. ટ્રમ્પે સ્ટીલ અને લોખંડ ક્ષેત્રો માટે પણ અલગ અલગ પ્રતિબંધો લગાવ્યાં છે.
નાણામંત્રીએ કહ્યું કે તેનું પરિણામ એ આવશે કે અમે ઈરાની શાસનને મળનારી કરોડો ડોલરની મદદ પર રોક લગાવી લઈશું. આ પગલાને ટ્રમ્પ પ્રશાસન તરફથી અત્યાર સુધીની સૌથી કડક પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે અને મિસાઈલ હુમલા માટે અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે સજા આપવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરુવારે જ આ નવા પ્રતિબંધોને મંજૂરી આપી દીધી હતી પરંતુ તેને લાગુ કરવા માટે એક દિવસનો સમય લીધો. પોતાના નિવેદન પર તેમણે કહ્યું કે આ દંડ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાની શાસન પોતાનો વ્યવહાર ન બદલે.
અત્રે જણાવવાનું કે ૨૦૧૫ના ઈરાન સાથે પરમાણુ સંધિ કરારને પાછો ખેંચીને અમેરિકાએ ૨૦૧૮માં ઈરાના તેલ, નાણાકીય અને શિપિંગ ક્ષેત્રોમાં ભારે ભરકમ પ્રતિબંધને બહાલ કર્યા હતાં. જેનાથી ઈરાનમાં આર્થિક મુશ્કેલીઓ પેદા થઈ હતી અને તેન નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો હતો.