ટ્રમ્પ અને મોદી વચ્ચે ત્રણ અબજ ડોલરની ડિફેન્સ ડિલ
નવીદિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હૈદરાબાદ હાઉસમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેના પર તમામની નજર કેન્દ્રિત થયેલી હતી. લાંબી વાતચીત અને સોદાબાજીને આખરી ઓપ આપવામાં આવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ અબજ ડોલરની સંરક્ષણ ડિલની જાહેરાત કરી દીધી હતી.
મોદી અને ટ્રમ્પે વાતચીત કર્યા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી જેમાં બંને દેશોના વડાએ એકબીજાની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વેળા જ આ ડિલની જાહેરાત કરી દીધી હતી. ઔપચારિક લીલીઝંડી આજે આપી દેવામાં આવી હતી. વાતચીત બાદ ટ્રમ્પે સંયુક્ત નિવેદન વેળા પાકિસ્તાનના મુદ્દા ઉપર વાત કરી હતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેઓ ભારતની યાત્રાને ક્યારે પણ ભુલશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનની જમીન પરથી ચાલી રહેલા આતંકવાદ પર અંકુશ મુકવાની જરૂર દેખાઈ રહી છે. ટ્રમ્પ અને મોદીએ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ભારતની આ યાત્રાને ક્યારે પણ ભુલશે નહીં. ત્રણ અબજ ડોલરની સંરક્ષણ સોદાબાજી થઇ ચુકી છે. આ સોદાબાજીમાં અમેરિકાથી ૨૪ એમએચ૬૦ રોમિયો હેલિકોપ્ટર ૨.૬ અબજ ડોલરમાં ખરીદી કરવામાં આવશે. એક અન્ય ડિલમાં છ એએચ૬૪ અપાચે હેલિકોપ્ટરને લઇને સમજૂતિ થઇ છે જેની કિંમત ૮૦ કરોડ ડોલર છે.
ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, આનાથી બંને દેશોના સંબંધો મજબૂત બનશે. બીજી બાજુ મોદીએ કહ્યું હતું કે, અમેરિકા સાથે ભારતની સમજૂતિ ખુબ મહત્વપૂર્ણ છે. મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે ભારત અને અમેરિકા પાર્ટનરશીપમાં મહત્વપૂર્ણ પાસા પર ચર્ચા કરી ચુક્યા છે.
સંરક્ષણ અને સુરક્ષા જેવા પાસા પર ચર્ચા થઇ છે. સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ, ટ્રેડ અને પીપલ ટુ પીપલ વચ્ચે સંબંધો પર ચર્ચા કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતાં સંબંધો અમારી સાજેદારીમાં મહત્વપર્ણ પક્ષ તરીકે છે. ટ્રમ્પે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મોદી અને તેઓ પોતે નાગરિકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે કટિબદ્ધ છે. અમેરિકા પાકિસ્તાની જમીનથી ચાલી રહેલા આતંકવાદને રોકવા માટે પગલા લઇ રહ્યું છે.
ટ્રમ્પે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જ આ ડિલની જાહેરાત કરી દીધી હતી. વિમાનો, મિસાઇલો, રોકેટ સહિતની ચીજવસ્તુઓ અમેરિકા સર્વશ્રેષ્ઠ બનાવે છે અને ભારતને આ સામગ્રી આપવા માટે અમે તૈયાર છીએ. અગાઉ આજે સવારે તેમની યાત્રાના બીજા દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા.
ત્યારબાદ વધુ વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં કોવિન્દ અને નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ અને તેમના પત્નિ મેલેનિયાનુ સ્વાગત કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં તેમના માટે સ્વાગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વાગત કાર્યક્રમમાં ટ્રમ્પની પુત્રી ઇવાંકા અને જમાઇ જેરેડ કુશનર પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા ગઇકાલે સોમવારના દિવસે સવારે શરૂ થઇ હતી.
પરિવારની સાથે પહોંચી ગયા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા ત્રણ મિનિટ પહેલા પહોંચી ગયા હતા. એરફોર્સ વનના વિમાન મારફતે તેઓ અમદાવાદ વિમાનીમથક ખાતે પહોંચી ગયા હતા.