ટ્રમ્પ તા.ર૪-રપ ફેબ્રુઆરીએ અમદાવાદ અને દિલ્હીની મુલાકાતે આવશે
વ્હાઈટ હાઉસે ટ્રમ્પનો સતાવાર કાર્યક્રમ જાહેર કર્યો : ટ્રમ્પને આવકારવા અમદાવાદમાં તડામાર તૈયારી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૪મી તથા રપમી ફબ્રુઆરીના રોજ ભારત આવનાર છે. અમેરીકાના રાષ્ટ્રપતિના સ્વાગત તથા સુરક્ષા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને આતંકવાદીઓના કથિત હુમલા સામે અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલામતી માટે સુરક્ષા કડક બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે પણ આવનાર છે. તથા દેશનું પ્રથમ આધુનિક સાધનોથી સજ્જ તથા વધારે બેઠકો ધરાવતા મોટેરા સ્ટેડીયમનું ઉદ્ઘાટન કરનાર છે. તેમની સુરક્ષામાં કોઈપણ છીંડુ ન રહી જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી છે. અને જ્યાંથી તઓ પસાર થવાના છે ત્યાં ત્યાં પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તથા વડાપ્રધાનની સુરક્ષા જળવાઈ રહે એ માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ આવનાર છે ત્યારે ટ્રમ્પની સિક્યોરીટી માટે અમેરીકાના પ્રમુખની સુરક્ષા સંભાળતી ટીમ પણ અમદાવાદ આવનાર છે. અમેરીકાના પ્રમુખ તથા વડાપ્રધાન ‘મોટેરા સ્ટેડીયમમાં લોકાર્પણ વિધિ કરશે ત્યારે વડાપ્રધાન મોદી અમેરીકાની મુલાકાતે ગયા ત્યારે ‘હાઉડી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ કે એવો જ કાર્યક્રમ પણ સ્ટેડીયમમાં યોજવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્ય સરકારનું ગૃહ વિભાગ, પોલીસ તંત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ તથા સુરક્ષાની વ્યવસ્થાની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા સ્ટેડીયમમાં વિશ્વકક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોવાને કારણે ઈવેન્ટ મેનેજમેન્ટ સંસ્થાને રોકવામાં આવી છે. મોટેરા સ્ટેડીયમના કાર્યક્રમમાં લાખથી વધુ સંખ્યામાં લોકો આવશે એમ માનવામાં આવે રહ્યુ છે. રાજ્ય સરકાર તરફથી કાર્યક્રમની ગરિમા સચવાય એેના માટે પણ તૈયારીઓના ભાગરૂપે સુરચનાઓ પણ આપવામાં આવી હતી.
અમેરીકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ‘ગાંધી આશ્રમ’ ની મુલાકાતે પણ જનાર છે. અમદાવાદના ટ્રમ્પના કાર્યક્રમમાં ટ્રમ્પ પોતાની જ કારનો ઉપયોગ કરશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી અભિવાદન સ્ટેજ તૈયાર કરાશે. રસ્તા ઉપર રખડતા ઢોર કે કૂતરાઓ જાવા ન મળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ ટીમો ધ્યાન રાખશે.