ટ્રમ્પ મોટેરા સ્ટેડીયમનું ઉદઘાટન કરે તેવી શકયતા
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી મહીનાના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આ વચ્ચે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે મોટેરામાં તૈયાર થઈ રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ટ્રમ્પ ઉદઘાટન કરી શકે છે. રાજય સરકારના ટોચના અધિકારી મુજબ, યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે, એવામાં પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સાથે મળીને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરી શકે છે.
ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લઈ શકે છે. આ પહેલીવાર હશે જયારે અમેરિકાના કોઈ રાષ્ટ્રપ્રમુખ ગુજરાતની મુલાકાતે આવશે. સત્તાધારી પાર્ટીના ટોચના સૂત્રો મુજબ, મોદી અને ટ્રમ્પ એક સાથે મળીને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે તે યુએસમાં પાછલા સપ્ટેમ્બરમાં યોજાયેલા ‘હાઉડી મોદી’કાર્યક્રમનું પરસ્પર આદાન-પ્રદાન હશે. રૂપિયા ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારું મોટેરા સ્ટેડિયમ લગભગ તૈયાર છે.
સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારે પીએમ મોદી સાથે યુએસના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત માટે જરૂરી બધી અરેન્જમેન્ટ કરવા માટે રાજય સરકારને જાણ કરી છે. અધિકારીએ કહ્યું કે, અમને કેન્દ્ર તરફથી કહેવાયું છે કે બંને નેતા અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં શામેલ થશે. અને આ ૧૫થી ૨૨ ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે. આ દરમિયાન ગાંધીનગરમાં આવેલા મહાત્મા ગાંધી મંદિરમાં ૧૫થી ૨૨ ફેબ્રુઆરી વચ્ચે ‘કન્વર્ઝેશન ઓફ માઈગ્રેટરી સ્પિસીસ ઓફ વાઈલ્ડ એનિમલ્સ’ની ૧૩મી સમિટ યોજાઈ રહી છે, જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે. આ સમિટમાં ૧૨૦ દેશોના ડેલિગેટ્સ પણ હાજર રહેવાના છે. એવામાં સરકારના સૂત્રો મુજબ ટ્રમ્પ પણ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી શકે છે. આ બાદ તેઓ દ્વીપક્ષીય ચર્ચા માટે દિલ્હી જશે.
મોદી ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદથી દુનિયાના ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂકયા છે. જેમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, જાપાનના રાષ્ટ્રપ્રમુખ શિન્ઝો આબે, ઈઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જિામન નેતન્યાહુ, યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન, પૂર્વ યુએસ સ્ટેટ સેક્રેટરી જોન કેરી શામેલ છે.