ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શનને પગલે ફેસબુક-ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટ લૉક કરી દીધાં
વૉશિંગ્ટન, વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક મનાતા એક ટોળાએ કેપિટલ હિલમાં ધસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. હિંસક ટોળાને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં એક મહિલા ઉપરાંત કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા.
દરમ્યાન અમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ આચરેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના તમામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે. ટ્વીટર તેમજ ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કર્યા. ટ્વીટરે ચેતવણી આપી કે જો હવે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમો તોડ્યા તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.
બીજી તરફ ટ્વીટરે સંસદ બિલ્ડિંગમાં થયેલી હિંસા અને ટ્રમ્પના વિવાદિત નિવેદનોથી જોડાયેલા 3 ટ્વીટ પણ હટાવી દેવાયા છે. આ પહેલા ફેસબુક અને યુ-ટ્યુબે પણ ટ્રમ્પના વીડિયો હટાવી દીધા. ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ગુએ રોજેને જણાવ્યું કે આ કટોકટીની સ્થિતિ છે. ટ્રમ્પના વીડિયોથી હિંસા વધુ ભડકી શકે છે.
હકીકતમાં જ્યારે વોશિંગ્ટનમાં ધમાલ ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોનુ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે સમર્થકોને ઘરે જવાની અપીલ કરી હતી. પરંતુ અમેરિકાની ચૂંટણી અને આ હિંસાહને લઇને કેટલાંક એવા દાવા કર્યા જે અયોગ્ય હતા. આ જ કારણ હતું કે વધુ હિંસા ન ભડકે, તેથી આ એક્શન લેવામાં આવ્યુ.