ટ્રમ્પ ૩ મહિનામાં સોશ્યલ મીડિયા પર ફરીથી પરત ફરશે
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ ઈમારત પર ૬ જાન્યુઆરીએ હુમલા બાદ ટિ્વટર, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા સાઈટ પર બૅન કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આવનારા ૩ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોશ્યલ મીડિયા પર દેખાશે. તેની જાણકારી તેમના વરિષ્ઠ સલાહકારે આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજધાની વોશિંગ્ટનમાં બબાલ અને હિંસા બાદ તમામ સોશ્યલ મીડિયા કંપનીઓએ ટ્રમ્પને બૅન કર્યા હતા. સોશ્યલ મીડિયા પર ટ્રમ્પને બૅન કરવાની શરૂઆત ગૂગલ અને એપલે પોતાના સ્ટોરથી કરી હતી.
આ પછી ફેસબુક, ટિ્વટર, યૂટ્યૂબ અને સ્નેપચેટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા અપલોડ કરાયેલા નવા વીડિયો કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મથી હટાવ્યા હતા. સાથે જ ટ્રમ્પને ચેનલની સેવા શરતોના ઉલ્લંઘનના આરોપમાં સસ્પેન્ડ પણ કર્યા હતા. સ્નેપ ચેટે કહ્યું કે અમે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પને અમારા પ્લેટફોર્મ પર હંમેશા માટે બૅન કર્યા છે. તેમના એકાઉન્ટથી સતત ખોટી સૂચનાઓ અને ભડકાવનારી પોસ્ટ આવતી રહે છે.
યૂટ્યૂબે કહ્યું કે ટ્રમ્પે એક વીડિયો અપલોડ કર્યો હતો જે અમારી નીતિનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. આ પછી તેમના ચેનલ પર ઓટોમેટિક સ્ટ્રાઈક આવી. પહેલા સ્ટ્રાઈક સાત દિવસ માટે હોય છે. આ કારણે ટ્રમ્પ ૭ દિવસ સુધી પોતાના અન્ય ચેનલ પર કોઈ વીડિયો અપલોડ કરી શક્યા નહીં. આ પછી કંપનીએ સંપૂર્ણ રીતે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું.