Western Times News

Gujarati News

ટ્રાઇની આ સ્માર્ટફોન એપ્લીકેશન તમે ટ્રાય કરી ?

અમદાવાદ, સંચારમાધ્યમ માટે સ્માર્ટફોનનો ઉપયોગ સામાન્ય વાત બની ચુકી છે. આપણા રાજ્યમાં અને દેશમાં સ્માર્ટફોન વપરાશકર્તા સતત વધી રહ્યા છે. ‘ટેલીફોન રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (TRAI-ટ્રાઇ) દ્વારા કાર્યરત વિવિધ એપ્લીકેશન્સ ખૂબ જ ઉપયોગી નિવડી શકે એમ છે.

TRAI-ટ્રાઇ દ્વારા ‘ડુ-નોટ-ડિસ્ટર્બ ૨.૦, ‘માય સ્પીડ’, ‘માય કોલ, ‘કંપલેઇન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ‘ટ્રાઇ ચેનલ સિલેક્ટર એમ પાંચ એપ્લીકેશન સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પાંચ એપ્લીકેશન ફોન વપરાશકર્તાની અમુક નિશ્ચિત જરૂરીયાત પુરી કરાવા માટે બનાવવામાં આવી છે. ઉપરાંત ‘ટ્રાઇએપ્સ નામની એપ્લીકેશનમાં ‘ડુ-નોટ-ડિસ્ટર્બ ૨.૦, ‘માય સ્પીડ, ‘માય કોલ અને ‘ટ્રાઇ ચેનલ સિલેક્ટર એ તમામ એપ્લીકેશન એક સાથે ઉપલબ્ધ છે.

એપ્લીકેશન ‘ડુ-નોટ-ડિસ્ટર્બ ૨.૦’ ટેલીમાર્કેટર્સ દ્વારા કરવામા આવતા ફોન કોલ અને સ્પામ મેસેજને ઓળખી બતાવે છે. આવા કોલ મેસેજીસ સંલગ્ન કરેલી ફરિયાદની વિગત પણ જાણી શકાય છે. એપ્લીકેશન ‘માય સ્પીડ માત્ર એક ક્લીક થકી ઇન્ટરનેટની સ્પીડ માપી આપે છે. જે તે વિસ્તારમાં ઇન્ટરનેટની સ્પીડ જેમા ડાઉનલોડ-અપલોડ સ્પીડ માપી સ્વતઃ ‘ટ્રાયને તેનો અહેવાલ મોકલી આપે છે. આ એપ્લીકેશન વપરાશકર્તાના ફોનમાંથી લોકેશન સિવાય અન્ય કોઇ જ માહિતી એકત્ર કરતી નથી.

વોઇસકોલ દરમીયાન અવાજની ગુણવત્તા અને વોઇસડ્રોપ જેવી સમસ્યાના નિવારણ અને વિવિધ સર્વિસ પ્રોવાઇડર વિષે અભિપ્રાય લખવા-જાણવાનું એકિકૃત મંચ એટલે ‘ટ્રાઇની ‘માય કોલ’ એપ્લીકેશન. ‘ટ્રાઇ ચેનલ સિલેક્ટર એપ્લિકેશન પણ અતિ ઉપયોગી છે. DTH સર્વિસ પ્રોવાઇડર અનુસાર ટી.વી.માં કઈ ચેનલ રાખવી અને નકામી ચેનલ દૂર કરવાની મૂંઝવણનું આ એપ્લિકેશન નિરાકરણ કરે છે. ડી.ટી.એચ. સબસ્ક્રાઇબર નંબર દાખલ કરતાં જ ભાષા, પ્રાંત અને દર્શકની રુચિ પ્રમાણે વિવિધ ચેનલનું ઑપ્ટિમાઇઝ કરેલું લિસ્ટ બનાવી આપી નવું પેકેજ સબ્સ્ક્રાઇબ પણ કરી આપે છે. આથી ડી.ટી.એચ. વપરાશકર્તાઓના બિનજરૂરી ચેનલ પાછળ વેડફાતા નાણાં બચી જાય છે. ‘કંપલેઇન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ-CMS એપ્લિકેશન થકી મોબાઇલ ફોન વપરાશકર્તા વેલ્યુ એડેડ સેવાઓ બાબતે ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકની પૂર્વ મંજુરી વગર શરૂ કરેલી સેવાઓ અને તેનુ શુલ્ક વસુલવાના કિસ્સામાં આ એપ્લિકેશન કારગર નિવડે છે. ‘ટ્રાઇ’ની આ અધિકૃત સ્માર્ટફોન એપ્લિકેશન્સના કરોડો યૂઝર્સ છે. સ્માર્ટ મોબાઈલ ફોનને સ્માર્ટ રીતે મેનેજ કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.