ટ્રાઈની આઇયુસી સમીક્ષા ગરીબ વિરોધી અને પ્રધાનમંત્રીનાં ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનની વિરોધી છેઃ જિયો
નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ ટ્રાઈની આઇયુસી (ઇન્ટરકનેક્શન યુઝર ચાર્જ)ની સમીક્ષાને ગરીબવિરોધી અને આ સમીક્ષા પ્રધાનમંત્રીનાં ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનની વિરોધી ગણાવી છે. એટલું જ નહીં જિયોએ ટ્રાઈની સમીક્ષાથી નિયમનકાર સંસ્થાની વિશ્વસનિયતા પર અસર પડવાની સાથે ટેલીકમ્યુનિકેશન્સ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ પણ ડગી જશે એવી શંકા વ્યક્ત કરી છે. કંપનીએ આઈયુસીનો અંત લાવવાની સમયમર્યાદા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડને નસ્વી, ટેકનોલોજી વિરોધી, કાયદેસર રીતે નબળી, અનુચિત અને ગરીબવિરોધી ગણાવી છે.
કંપનીએ જણાવ્યું છે કે, આ પગલું ઓથોરિટીનાં અગાઉનાં નિર્ણયોથી વિપરીત છે, જેમાં નિયમનકારે જણાવ્યું હતું કે, તમામ પ્રકારનાં કોલ માટે ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા 1 જાન્યુઆરી, 2020થી અમલમાં આવશે. જિયોએ દાવો કર્યો છે કે, આઈયુસીનો અંત લાવવાની મૂળ સમયરેખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાથી ફ્રી વોઇસ કોલનાં ટેરિફમાં વધારો થશે, જેથી ગ્રાહકોનાં હિતને નુકસાન થશે. સામાન્ય રીતે ટેલીકોમ ઓપરેટરને એનાં ગ્રાહક દ્વારા અન્ય કંપનીનાં નેટવર્ક પર કોલ પૂર્ણ કરવા માટે ચુકવણી કરવી પડે છે. એમાં હરિફ નેટવર્કને આઈયુસી આપવો પડે છે, જે અત્યારે પ્રતિ મિનિટ છ પૈસા છે.
અત્યારે ટ્રાઈમાં આઈયુસીનો અંત લાવવાની સમયરેખાને જાન્યુઆરી, 2020થી આગળ વધારવાનાં મુદ્દે સમીક્ષા ચાલે છે. આ કારણે જિયોએ એનાં ગ્રાહકો પર પ્રતિ મિનિટ છ પૈસાનો ચાર્જ લગાવવાની ફરજ પડી છે. જિયોએ આરોપ મૂક્યો છે કે, પ્રધાનમંત્રીનાં દ્રષ્ટિકોણ મુજબ, ડિજિટલ માળખાનો લાભ મેળવવો દેશનાં દરેક નાગરિકોનો અધિકાર છે. કેટલાંક ટેલીકોમ ઓપરેટર જૂનું 2જી નેટવર્ક હંમેશા જળવાઈ રહે એવું ઇચ્છે છે. એનાથી દેશમાં 2જી નેટવર્ક સાથે જોડાયેલા 47 કરોડથી વધારે ગ્રાહક ડિજિટલ ક્રાંતિનાં લાભથી વંચિત રહી જશે.
જિયોએ એવો આરોપ પણ મૂક્યો છે કે, કેટલાંક જૂનાં ઓપરેટર્સ એમનાં 2જી ગ્રાહકો પાસેથી વોઇસ કોલ માટે “વધારે રેટ” વસૂલે છે, જે જિયોનાં 4જી-ઓન્લી ગ્રાહકોને ફ્રી મળે છે. ભારતનાં ગરીબ અને વંચિત ગ્રાહકોને લાભ આપવાને બદલે ટ્રાઈનાં કન્સલ્ટેશન પેપરે ટેલીકોમ વ્યવસાયમાં નફાખોર અને જૂનાં ટેલીકોમ ઓપરેટર્સને મદદ કરવાનું પસંદ કર્યું છે એવો આક્ષેપ પણ જિયોએ મૂક્યો છે. કંપનીએ ઉમેર્યું હતું કે, હાલનું કન્સલ્ટેશન પેપર ટ્રાફિકની અસમાનતાની સમસ્યાનું સમાધાન કરતાં નથી, પણ ગ્રાહકો અને ટેલીકોમ ક્ષેત્રનાં હિતનાં ભોગે એક કે બે ઓપરેટરનાં નાણાકીય સ્થિતિ ચિંતાજનક હોવાનાં દાવાનું સમાધાન કરે છે.
કંપનીએ દાવો કર્યો છે કે, કેટલાંક ઓપરેટર્સ પાસે 2જી નેટવર્કને 4જીમાં અપગ્રેડ ન કરવાનાં અનેક કારણો છે. આ ઓપરેટર્સનાં 2જી નેટવર્કની નબળી ગુણવત્તા અને ડેટાની ઊંચી કિંમતોને કારણે 2જી ગ્રાહકો ડિજિટલ સોસાયટીમાં સામેલ પણ થઈ શકતાં નથી, જે પ્રધાનમંત્રીનાં ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનથી વિપરીત છે.