ટ્રાન્સપોર્ટના વેપારી સાથે ગઠીયાઓએ સાત કરોડની છેતરપીંડી આચરી

ત્રણ શખ્સોએ ભેગા મળી કોઈપણ જાતનું ટ્રાન્સપોર્ટ કર્યા વગર ૧ર કરોડની રકમ બીલ પેટે પડાવી હતી જયારે મુખ્ય ગઠીયાએ ૬ કરોડ રૂપિયા બીલ પેટે ચુકવ્યા અને અચાનક ફોન બંધ કરી દેતા અર્ચિતભાઈને પોતાની સાથે ૬.૯૮ કરોડ રૂપિયાની છેતરપીંડી થયાની જાણ થઈ હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, ઓનલાઈન ઠગાઈ કરવા ગુનેગારો અલગ અલગ રીતો વાપરતા હોય છે. જે કેટલીક વાર સામાન્ય નાગરીકોની સમજ બહાર હોય છે આવી જ એક છેતરપીંડીની ફરીયાદ ન્યુયોર્ક ટાવર, એસ.જી. હાઈવે ખાતેના ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે નોંધાવી છે. જેમાં ગઠીયાઓએ બહારગામના ટ્રાન્સપોર્ટ માટે ટ્રેલરોનો કોન્ટ્રાકટ વેપારીને આપ્યો હતો.
બાદમાં ભોપાલનો જ એક ટ્રાન્સપોર્ટર તેમનું કામ કરી આપશે તેવો રેફરન્સ આપ્યો હતો. બાદમાં ત્રણ શખ્સોએ ભેગા મળી કોઈપણ જાતનું ટ્રાન્સપોર્ટ કર્યા વગર ૧ર કરોડની રકમ બીલ પેટે પડાવી હતી જયારે મુખ્ય ગઠીયાએ ૬ કરોડ રૂપિયા બીલ પેટે ચુકવી આપ્યા હતા જેને પગલે અમદાવાદના ટ્રાન્સપોર્ટર સાથે છ કરોડની છેતરપીંડી બહાર આવી હતી.
ફરીયાદી અર્ચિત અગ્રવાલ તેમના પિતા સાથે ન્યુયોર્ક ટાવર એસ.જી.હાઈવે થલતેજ ખાતે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે તે ટ્રક માલીક તથા બ્રોકરો પાસેથી ટ્રક તથા ટેલર ભાડે લઈને મોટી કંપનીઓને ભાડે આપે છે.
જાન્યુઆરી ર૦ર૦ સંજય મિશ્રા નામના શખ્સે ફોન કરી પોતે એલ એન્ડ ટી શીપ બિલ્ડીંગ, ફરીદાબાદનો સપ્લાય ચેન હેડ હોવાની ઓળખ આપી હતી અને મંદીદીપ ભોપાલથી ચેન્નઈના કટુપલ્લી સુધી માલ લઈ જવાની વાત કરી હતી ઉપરાંત ભોપાલ ગંગોત્રી ટ્રેલર ટ્રાન્સપોર્ટના દેવીદાસ નાગલેએ અગાઉ તેની કંપનીમાં કામ કરેલું હોવાનું કહયું હતું જેથી અર્ચિતભાઈએ દેવીદાસનો સંપર્ક કરી તેના ટેલરો ભાડે લેવાનું નકકી કર્યું હતું.
બાદમાં સંજય મિશ્રાએ જાન્યુઆરી ર૦ર૦થી માર્ચ ર૦ર૧ સુધી તેમને ૩૮૦ ટ્રેલરોની જરૂરીયાત હોવાનું કહેતા અર્ચિતભાઈએ દેવીદાસને તમામ ટ્રેલરના ઓર્ડર આપ્યા હતા જે પેટે બાર કરોડ પંચ્યાશી લાખ તથા ટીડીએસના ૧ર.૭૧ લાખ રૂપિયા દેવીદાસને ચુકવ્યા હતા.
બીજી તરફ સંજય મિશ્રાએ પણ તેમને છ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ મહીનામાં સંજયે અચાનક જ વધારે ટ્રેલરો લગાડવાનું કહેતા અર્ચિતભાઈને શંકા ગઈ હતી અને દેવીદાસને ટ્રાન્સપોર્ટના દસ્તાવેજ તથા લોડેડ ગાડીના ફોટા મોકલવાનું કહેતા તેણે ફોન બંધ કરી દીધો હતો.
બીજી તરફ સંજય તથા તેના સાગરીત અભીનવ તિવારીએ પણ ફોન બંધ કરી દેતા અર્ચિતભાઈને પોતાની સાથે ૬.૯૮ કરોડ રૂપિયાની છેતરપીંડી થયાની જાણ થઈ હતી. જે અંગે સાયબર ક્રાઈમે ફરીયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.