ટ્રાફિકનો ૩૦ હજારનો દંડ ન ભરનારનું સ્કૂટી જપ્ત કરાયું

Files Photo
હૈદ્રાબાદ, હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક એવી વ્યક્તિને પકડી છે જેનો અત્યાર સુધીમાં ૧૧૭ વખત મેમો ફાટી ચુક્યો છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક નિયમિત વાહન તપાસ દરમિયાન એક વ્યક્તિને ઝડપ્યો હતો જે ૭ વર્ષના ૧૧૭ મેમો ભરવામાંથી ચકમો આપવામાં સફળ રહ્યો હતો. અત્યાર સુધીમાં તેને આશરે ૩૦ હજાર રૂપિયાનો દંડ લાગી ચુક્યો છે.
ફરીદ ખાન નામની તે વ્યક્તિ જે સ્કૂટી ચલાવી રહી હતી તેનું ૩૦ હજાર રૂપિયાનું ચલણ બાકી છે. નામપલ્લી પાસે હેલમેટ વગર ગાડી ચલાવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસે જ્યારે તેના રજિસ્ટ્રેશનની તપાસ કરી તો તેની ગાડી પર ૨૯,૭૨૦ રૂપિયાના ૧૧૭ મેમો ફાટી ચુક્યા હોવાનું સામે આવ્યું હતું.
ફરીદ ખાને ૭ વર્ષમાં એક પણ મેમો નહોતો ભર્યો. પોલીસે તેનું દ્વિચક્રી વાહન જપ્ત કર્યું હતું અને ફરીદ ખાનને પેન્ડિંગ દંડ ભર્યા બાદ પોતાનું વાહન છોડાવી જવા માટે કહ્યું હતું. ખાનને એક કાયદાકીય નોટિસ મોકલવામાં આવેલી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે દંડ ભરે નહીં તો તેનું વાહન જપ્ત કરવા માટે આરોપ પત્ર દાખલ કરવામાં આવશે.
પોલીસે વાહન જપ્ત કર્યા બાદ નોટિસ પાઠવી હતી કે, જાે તે પોતાનું વાહન પરત મેળવવા ઈચ્છે છે તો તેણે વ્યાજ સહિત દંડ ભરવો પડશે. મોટર વાહન (એમવી) અધિનિયમ પ્રમાણે જાે કોઈએ ૧૦ કરતા વધારે વખત ફાટેલા મેમોનો દંડ ન ભર્યો હોય તો પોલીસ તેનું વાહન જપ્ત કરી શકે.
ઈ-ચાલાન વેબસાઈટના અહેવાલ પ્રમાણે ૨૦૧૪થી અત્યાર સુધીના મોટા ભાગના મેમો હેલમેટ કે ખોટા પાર્કિંગને લઈ ફટકારવામાં આવેલા જ્યારે કેટલાક મેમો ડ્રાઈવ કરતી વખતે જાહેર સ્થળોએ માસ્ક ન પહેર્યું હોવા સાથે સંકળાયેલા હતા. તે સિવાય કેટલાક મેમો ખોટી સાઈડ પર ડ્રાઈવિંગ કરવા સાથે સંબંધીત છે.SSS