ટ્રાફિક ઈ-મેમો પેટે ૪૦.૩ કરોડ દંડની વસૂલાત બાકી
અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક સિગ્નલ્સ પર કેમેરા લાગી જતા અમદાવાદીઓ નિયમોનું પાલન કરતાં થયાં છે. જોકે, જે લોકોને સુધરવું જ નથી, તેઓ કેમેરાને પણ ગાંઠવાનું નામ નથી લઈ રહ્યાં. ૨૦૧૮થી શહેરમાં ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય ૧૭ લાખ મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના ૧૧૧ જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ ૨૬.૩ લાખ ઈ-મેમો જનરેટ થયા હતા.
જેમાંથી ૮.૯ લાખ મેમોનો જ ૧૮.૫ કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, ૧૭.૪ લાખ જેટલા ના ભરાયેલા મેમોના દંડની રકમ ૪૦.૩ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. આમ, લગભગ ૪૫ ટકા જેટલા ઈ-મેમો ભરાયા જ નથી.
બીજી તરફ, કુલ ૨૬.૩ લાખ ઈ-મેમોના દંડની ૫૮.૮ કરોડની રકમમાંથી ૧૮.૫ કરોડનો દંડ જ લોકોએ ભર્યો છે. મતલબ કે, દંડની રકમની વસૂલાત તો અડધાથી પણ ઓછી છે. કેટલાક ઈ-મેમો તો છેક ૨૦૧૯ના છે, કે જેમનો દંડ હજુ સુધી નથી ભરાયો.
આમ, ના ભરાયેલા ઈ-મેમોના દંડની રકમ ૪૦ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. અમદાવાદીઓનું આ મામલે વર્તન સમજવા માટે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હૈદરાબાદ અને દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬.૩ લાખ જેટલા ઈ-મેમોનું એનાલિસિસ કરાયું હતું. અમદાવાદીઓએ આ ગાળામાં ૧૦૦૦ રુપિયાથી ઓછો દંડ હોય તેવા ૮.૯ લાખ ઈ-મેમો ભર્યા હતા, જેની ટકાવારી કુલ ઈ-મેમોના ૩૪ ટકા જેટલી થાય છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
જોકે, દંડની રકમ ૧,૦૦૦ રુપિયાથી વધારે હોય તેવા કિસ્સામાં માત્ર ૧૯ ટકા ઈ-મેમો જ ભરવામાં આવ્યા છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ઓવરસ્પીડિંગના ઈ-મેમો લોકો ભરી દે છે, પરંતુ બીઆરટીએસ લેનમાં ઘૂસવા બદલ મળેલો મેમો ભરવાનું પ્રમાણ ઓછું છે.
એવું પણ ધ્યાને આવ્યું છે કે ઈ-મેમો ના ભરનારાઓમાં મોટાભાગના લોકો વારંવાર નિયમો તોડે છે, અને તેમના નામે એકથી વધુ ઈ-મેમો જનરેટ થયા છે. સરવેમાં મળેલી માહિતી અનુસાર, ૫૭ ટકા ઈ-મેમો રિપિટેડ ઓફેન્ડર્સને ઈશ્યૂ થયેલા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ટ્રાફિકના નિયમો કડક બનાવાયા હતા, અને દંડની રકમમાં પણ જંગી વધારો કરાયો હતો. નવાઈની વાત એ છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯માં જનરેટ થયેલા ઈ-મેમોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૮માં જનરેટ થયેલા ઈ-મેમો કરતા ૧૫ ટકા વધારે હતી.