ટ્રાફિક જામ થાય તો ગાડીઓ ટોલ ચુકવ્યા વીના જવા દેવાશે
ફાસ્ટટેગના ઉપયોગ બાદ પણ ટોલ પ્લાઝા પર જામ-તમામ ટોલ પ્લાઝાની દરેક લેન પર ટોલ લેવાની કેબિનથી એક નિશ્ચિત અંતરે એક અલગ રંગની લાઈન બનાવાશે
નવી દિલ્હી, દેશના વિવિધ હાઈવે પરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ વધી જાય તો ગાડીઓને ટોલ ચુકવ્યા વગર જવા દેવાની યોજના પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. સરકારે જે યોજના બનાવી છે તે પ્રમાણે દેશના તમામ ટોલ પ્લાઝાની દરેક લેન પર ટોલ લેવાની કેબિનથી એક નિશ્ચિત અંતરે એક અલગ રંગની લાઈન બનાવાશે.
જાે ટ્રાફિક જામ થવા માંડ્યો અને ગાડીઓની કતાર આ લાઈન સુધી પહોંચી ગઈ તો તે લેનમાં ઉભેલી તમામ ગાડીઓને ટોલ ટેક્સ ચુકવ્યા વગર જવા દેવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીને સતત એવા રિપોર્ટ મળી રહ્યા છે કે, ફાસ્ટેગના ઉપયોગ પછી પણ ટોલ પ્લાઝાઓ પર જામ લાગી રહ્યો છે.એ પછી તમામ ટોલ પ્લાઝાનુ મોનિટરિંગ શરુ કરવામાં આવ્યુ છે.બીજી તરફ સરકારે વાયદો કર્યો છે કે, ફાસ્ટેગ લાગુ થયા બાદ લોકોને ટોલ પ્લાઝા પર જામનો સામનો નહીં કરવો પડે.
ટોલ પ્લાઝાનુ મોનિટરિંગ કરી રહેલી ટીમનુ કહેવુ છે કે, ફાસ્ટેગનો ઉપયોગ ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે હવે ટોલ પ્લાઝા પર થતા જામ માટે કોઈ બહાનુ આપી શકાય તેમ નથી.
નવી યોજના પ્રમાણે ટોલ પ્લાઝાથી કેટલા અંતરે લાઈન બનાવવી તેનુ ધારાધોરણ દરેક ટોલ પ્લાઝા પ્રમાણે અલગ અલગ રહેશે.આ માટે જે તે ટોલ પ્લાઝાના ટ્રાફિક ફ્લો અને ત્યાં કેટલી લેન છે તેની સંખ્યાને ગણતરીમાં લેવામાં આવશે.