Western Times News

Gujarati News

ટ્રાફિક નિયમોને લઇને કોંગી કાર્યકરોનો વિરોધ

કોંગ્રેસ પાર્ટીના હેડ ક્વાર્ટર પર રામધૂનનું આયોજન કરાયું અનેક વકીલોએ જેલભરો આંદોલનની આપેલી ચેતવણી
રાજકોટ,  હેલ્મેટ સહિત ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજકોટમાં જારદાર વિરોધ આંદોલન અને દેખાવો-પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જા કે, રાજકોટ પોલીસ કમિશનર તરફથી મંજૂરી અપાઇ નહી હોવાછતાં કોંગ્રેસ તરફથી પોતાના વિરોધ કાર્યક્રમો મક્કમતા સાથે યોજવામાં આવ્યા હતા .

જેને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. મંજૂરી વિના કોંગ્રેસે ધરણાં કરતાં પોલીસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કોંગી કાર્યકરો અને જંક્શનના વેપારીઓ સહિત ૫૦થી વધુ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રેસે સરકાર વિરોધી જારદાર સૂત્રોચ્ચાર કર્યાે હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળ હેડકવાર્ટર ખાતે ધરણાં તથા ઉપવાસ કાર્યક્રમમાં તમામ કાર્યકરો જોડાયા હતા. આ કાર્યકરોએ હેડ ક્વાર્ટરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ જંકશનનાં વેપારીઓએ અડધા દિવસનો બંધ રાખી વિરોધ કર્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત સરકારના પરિવહન વિભાગના નવા કાયદાથી સામાન્ય લોકોને મોટી મુશ્કેલી થઇ છે. જેના પગલે તા.૧૮થી ૨૦ સપ્ટેમ્બરના સવારે ૧૦થી ૨ કલાક સુધી પ્રતીક ઉપવાસ અને ધરણાં માટે પોલીસ પાસે જિલ્લા પંચાયત ચોકમાં મંજૂરી માંગી હતી, પરંતુ નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ રવિ મોહન સૈનીએ કોંગ્રેસની અરજી નામંજૂર કરી હોવાનું મંગળવારે સાંજે લેખિતમાં જાણ કરી છે.

જંક્શન પ્લોટ અને ગાયકવાડી પ્લોટ વિસ્તારના વેપારી મંડળે આજે અડધા દિવસનો બંધ પાળ્યો હતો. વેપારી મંડળના પ્રમુખ જયકિશન આહુજા અને મંત્રી ગૌરવ પૂજારાએ જણાવ્યું હતું કે, હેલ્મેટ ફક્ત હાઈ વે પર જ ફરજિયાત હોવા જોઇએ શહેરની અંદર તેની કોઇ જરૂરિયાત નથી.  આ ઉપરાંત ટુ વ્હીલર પર બાળકોને પણ ત્રીજી સવારી ગણે છે તો પછી લોકો બાળકોને કોના ઘરે મૂકે? દરેક માતા-પિતાને સંતાન વ્હાલા જ હોય છે તેઓ વાહન પર પૂરી સંભાળ રાખે જ છે.

જંક્શનના વેપારીઓએ બંધ પાળતાં પોલીસે જંક્શનના વેપારીઓની પણ અટકાયત કરી છે. દરમ્યાન રાજકોટ શહેરમાં ટુ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો નાછૂટકે સવિનય કાનૂન ભંગ કરી જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેમ રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર ડો.જિજ્ઞેશ એમ.જોષીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને મનપામાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાનો વિધાનસભામાં ઠરાવ પસાર કરી તાકીદે અમલ કરાવવા જણાવ્યું છે. સીસીટીવી કેમેરાના આધારે શહેરીજનોને મેમા આપી દંડ ફટકારવામાં આવે છે.

મેટ્રોપોલિટન સીટીમાં જ આઇ વે પ્રોજેક્ટ અંતર્ગત વાહનચાલકોને મેમો મોકલી શકાય છે, ત્યારે રાજકોટ શહેર મેટ્રોપોલિટન સિટીમાં આવતું જ નથી. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા મેમો ફટકારવામાં આવે છે. શહેરના ટુ વ્હીલર ચાલકોને જો હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલન કરતા ખચકાશું નહીં તેમ લેખિત રજૂઆતમાં જણાવાયુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.