ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડશો તો ૯૦ સેકન્ડ સમય વધુ રોકાવું પડશે
અમદાવાદ, ટ્રાફિક સિગ્નલ હજુ તો ગ્રીન ન થયું હોય અને છેક પાછળથી વાહનચાલકો સતત હોર્ન વગાડ્યા કરતાં હોય તેનો ત્રાસ બધા અનુભવે છતાં આ ધ્વની પ્રદુષણનો કોઈ ઇલાજ હજુ સુધી મળ્યો નહોતો. પણ મુંબઈ પોલીસે આનો આબાદ કિમીયો શોધ્યો છે. સિગ્નલ બદલાતું હોય ત્યાં ડેસીબલ સેન્સર મુકી દીધા, અને એ સિગ્નલ પર વાગતાં હોર્નની ધ્વની માત્રા ૮૫ ડેસિબલે પહોંચે તો ત્યાં સિગ્નલ ગ્રીન થવાના બદલે લાલ લાઈટ વધુ ૯૦ સેકન્ડ માટે રહે તેવું મિકેનિઝમ ગોઠવ્યું આનો જાણે ચમત્કાર હોય તેમ આ સિગ્નલ પર હોન્કિંગ સાવ બંધ થઈ ગયું. આ સફળતાનો વીડિયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. અમદાવાદના મ્યુનિ.કમિશ્નર વિજય નેહરાએ આ આઈડિયાને તરત પકડી તે વિષયે ટ્વિટરાટીને સવાલ પૂછ્યો હતો કે ખરેખર રસપ્રદ આઈડિયા છે. આપણે અમદાવાદમાં પ્રયોગ કરવો જાઈએ ? જે તે ૩૩૫એ રિ-ટ્વિટ અને ૧૫૮૯એ લાઈક કર્યું હતું.
મુંબઈ પોલીસના બે મિનિટના આ વીડિયોમાં સબ ટાઈટલ સાથે આખા પ્રયોગની સમજ પણ આપવામાં આવી છે. જેથી માત્ર સત્તાવાળા જ નહીં પણ સામાન્ય લોકો અને ખાસ કરીને વાહનચાલકોનું આમા આકર્ષણ વધે અને તેનાથી પ્રેરાય. આ પ્રયોગમાં અદ્ભૂત પરિણામ એ આવ્યું કે જેવું અવાજના કારણે ૯૦ સેકન્ડ લાલ સિગ્નલ વધુ રહેવા માંડ્યુ તે ચાર રસ્તે અનેક વાહનચાલકો હોર્ન મારનારાને ખખડાવવાનું શરૂ કર્યું હતું.