ટ્રાવેલ્સની બસમાંથી ૭ લાખના દાગીના- રોકડ ભરેલાં પર્સની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાણીપ ખાતે રહેતી એક મહીલા પરીવાર સાથે સામાજીક પ્રસંગે રાજસ્થાન જવા નીકળી હતી પરંતુ બસ ઉપડે એ પહેલાં જ અજાણ્યા ચોરે કળા કરી રૂપિયા રપ હજારની રોકડ અને સોનાના દાગીના સહીત કુલ સાત લાખની મત્તા ભરેલું પર્સ ચોરી લીધુ હતુ આ ઘટના અંગે રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે કમલાબેન જૈન પોતાના પરીવાર સાથે આદીત્ય રેસીડેન્સી, માળીયાવાસ, અમરાઈવાડી ખાતે રહે છે તે મુળ રાજસ્થાનનાં છે તેમના નાના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થતાં પરીવાર સામાજીક રીવાજ અનુસાર માતાજીના દર્શન કરવા રાજસ્થાન જવા રવાના થયા હતા
જેની માટે મંગળવારે ત્રણ વાગ્યે ઘરેથી નીકળી પરીવાર સાથે પ્રબોધરાવલ સર્કલ પાસે આવેલા પગરખા બજારની પાછળ આવ્યા હતા જયાં તેમની બસ આવતા કમલાબેન બસમાં ચઢયા હતા અને પોતાની સીટ પર પર્સ મુકયુ હતુ અને બાકીનો સામાન લેવા નીચે ગયા હતા. જયાંથી ગણતરીની મિનિટોમાં જ પરત ફર્યા એ દરમિયાન કોઈએ રપ હજારની રોકડ અને સોનાના દાગીના ભરેલું સાત લાખની મુદ્દામાલ ભરેલુ પર્સ ચોરી લીધુ હતું આ અંગે રાણીપ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.