ટ્રેડ વોરમાં ભીંસાયું બેઈજિંગ, અનેક વિદેશી કંપનીઓ ચીન છોડવા તૈયાર
બેઈજિંગ, અનેક વર્ષોથી ચીન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રખ્યાત છે પરંતુ હવે બહુ ઝડપથી તે સ્થિતિ બદલાઈ રહી છે. કોરોના મહામારી અને ભારત સાથેના કારણ વગરના સરહદ વિવાદના કારણે સમગ્ર વિશ્વમાં ચીનની છબિ ખરડાઈ છે અને સાથે જ તેના આર્થિક સ્વાસ્થ્યને પણ અસર પહોંચી છે. છેલ્લા થોડા સમયમાં બદલાયેલી સ્થિતિના કારણે વિદેશી કંપનીઓ હવે ચીન છોડવા માંગે છે. એક અભ્યાસ પ્રમાણે કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટી રહ્યો છે.
આશરે 260 જેટલા ગ્લોબલ સપ્લાઈ ચેઈન લીડર્સના સર્વેક્ષણ પ્રમાણે દર ત્રણ પૈકીની એક કંપની ચીન છોડવા તૈયાર છે. તેઓ તાત્કાલિક શક્ય ન બને તો આગામી બે-ત્રણ વર્ષમાં પણ સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગને ચીનથી બહાર લઈ જવા માંગે છે. કોરોના મહામારીના કારણે અમેરિકા અને ચીન વચ્ચેની અથડામણ વધી રહી છે અને બેઈજિંગના બેજવાબદારીભર્યા વલણના કારણે વિદેશી કંપનીઓ હવે ચીનમાંથી બહાર નીકળી જવામાં જ સમજદારી માની રહી છે. તેઓ સમજી ગયા છે કે ચીન પર વધારે પડતી નિર્ભરતા નુકસાનકારી સાબિત થઈ શકે છે અને આગામી સમયમાં ચીનમાં કારખાનાઓનું સંચાલન સસ્તું નહીં રહે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીની વસ્તુઓ પર 370 બિલિયન ડોલરના ટેરિફની જાહેરાત કરી હતી તો કેટલીક કંપનીઓ માટે કિંમત 100 મિલિયન ડોલર જેટલી વધી ગઈ હતી. કંપનીઓ સમજી ગઈ છે કે ચીનનું જે વલણ છે તે જોતા ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થશે અને આ કારણે જ તેઓ પોતાનો કારોબાર સમેટી લેવા માંગે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે 50થી વધારે કંપનીઓએ પહેલેથી જ ચીન છોડી દીધું છે