ટ્રેનના વેઇટિંગ લિસ્ટમાંથી મુક્તિ, કન્ફર્મ ટિકિટ મળશે
નવી દિલ્હી, રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે શુક્રવારે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં જમાવ્યું કે આગામી 3-4 વર્ષમાં રેલવે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રેનને ઓન ડિમાન્ડ ચલાવવામાં સક્ષમ થઈ જશે. એનો અર્થ કે યાત્રિકોએ પેસેન્જરને ટ્રેનમાં વેઇટિંગની ટિકિટમાંથી મુક્તિ મળશે. યાદવે જણાવ્યું કે વર્ષ 2023 સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોને તમામ રાજધાની નેટવર્કથી જોડી દેવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી કટરાથી બેનિહાલ સુધીનો અંતિમ સ્ટ્રેચ પણ સમાપ્ત થઈ જશે.
રેલ યાત્રિકોને સૌથી પહેલા દિલ્હી-મુંબઈ રૂટ પર કન્ફર્મ ટિકિટ મળશે. રેલવે દ્વારા આના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારબાદ દિલ્હી-કોલકત્તાના રૂટ પર કન્ફર્મ ટિકિટ મળશે. કારણ કે રેલવે આ રૂટ પર ચાલતી માલગાડીઓ માટે અલગ ટ્રેક તૈયાર કરી રહ્યુ છે. આગામી બે વર્ષમાં આ રૂટ તૈયાર થઈ જવાની શક્યતા છે. ભારતમાં સૌથી વધુ ટ્રાફિક મુંબઈ-દિલ્હીના રેલ માર્ગમાં રહે છે. જેના કારણે આ રૂટ પર ટ્રેનો સતત લેટ રહે છે. જોકે, આ રૂટ પર ટ્રેનની સ્પીડ વધશે. જેના કારણે યાત્રિકોની મુસાફરી સરળ રહેશે.
આગામી 9-10 મહિનામાં મુંબઈ-દિલ્હી રૂટમની તમામ ટ્રેનોની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી લંબાવવામાં આવશે. સંપૂર્ણ ટ્રેક એક જ સ્પીડે હોવાના કારણે યાત્રીઓને ખૂબ સરળતા રહેશે. જ્યારે ટ્રેનો મુંબઈ- દિલ્હી રૂટ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે ત્યારે આશરે સાડા ત્રણ કલાકનો સમય બચી જશે. દિલ્હી હાવડા રૂટ પર આશરે 5કલાકનો સમય બચશે. રેલવે બોર્ડના જણાવ્યા મુજબ આ તમામ રૂટ પર સિગ્નલિંગ અને કૉમ્યુનિકેશનમાં જે કાઈ ખામી હતી તેને સુધારવામાં આવી રહી છે.