ટ્રેનમાં બીયરનાં ૨૧૪ ટીન સાથે યુવતીઓ ઝડપાઈ
ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતી મહારાષ્ટ્રની ૪ યુવતીઓ ઝબ્બે -અલગ-અલગ કોચમાં બેસીને અમદાવાદ આવેલી ચારેય યુવતીઓને કૃષ્ણનગર પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી
અમદાવાદ, દારૂની ખેપ મારવા માટે હાઇપ્રોફાઇલ મહિલાઓની જેમ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતી ચાર યુવતીઓને કૃષ્ણનગર પોલીસે ૨૧૪ બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની ચારેય યુવતીઓ દારૂનો જથ્થો બેગમાં મુકીને ટ્રેનના અલગ અલગ કોચમાં બેસી જતી હતી અને અમદાવાદ આવીને બુટલેગરને દારૂનો જથ્થો આપતી હતી.
મુસાફરી દરમિયાન એકબીજા સાથે વાત પણ કરતી ન હતી જેથી કોઈને શંકા ન જાય અને ફિલ્મી સ્ટાઈલે દારૂની હેરાફેરી કરનાર આ મહિલાઓ ઝડપાઇ જતા જે તે બુટલેગર સામે પણ કાર્યવાહી કરવાનું પોલીસે શરૂ કર્યું છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એજે ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે નવા નરોડા વિસ્તારમાં આવેલી નવી કેનાલ પાસે મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની છે.
બાતમીના આધારે કૃષ્ણનગર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ચાર યુવતીઓ ત્યાથી પસાર થઇ હતી તેમને જાેતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી હતી અને થેલાની તલાશી લીધી હતી. પોલીસને યુવતીના થેલામાંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યા પર રહેતી લક્ષ્મી માછરે, પુર્ણીમા ભાટ, પુજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની ૨૧૪ બીયરના ટીન સાથે ધરપકડ કરી છે.
આ મહિલાઓ કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આ બીયરનો જથ્થો આપવાની હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જે.ચૌહાણે જણાવ્યુ છે કે મહારાષ્ટ્રની આ ચાર યુવતીઓ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે દારૂની ખેપ મારતી હતી.
ચારેય યુવતીઓ દારૂનો જથ્થો અલગ અલગ બેગમાં મુકીને ટ્રેનમાં બેસી જતી હતી અને ડબ્બામાં બેસતી હતી. ટ્રેનની મુસાફરી દરમિયાન ચારેય યુવતીઓ એકબીજા સાથે વાતચીત કરતી નહી અને અમદાવાદ આવે એટલે રીક્ષામાં એક સાથે બેસી જતી હતી. ચારેય યુવતીઓ અગાઉ પણ અમદાવાદમાં દારૂની ખેપ મારી હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.