ટ્રેનમાં લૂંટ કરી યુવતી પર દુષ્કર્મ, ચારની ધરપકડ
કસારા, મહારાષ્ટ્રમાં મહિલાઓ સાથે જાતીય ગુનાઓની ઘટનાઓ ઘટતી હોય તેવું લાગતું નથી. ઉલ્ટાના આવા ગુનાઓ ખૂબ જ ઝડપી દરે વધી રહ્યા છે. તાજેતરનો મામલો લખનઉથી મુંબઈ આવતી પુષ્પક એક્સપ્રેસનો છે. જેમાં ચાર લોકોએ એક મહિલા મુસાફર સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. હાલ જીઆરપીએ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. જેમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૪ આરોપીઓની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ અચાનક ૭ થી ૮ ચોર ટ્રેનની અંદર ઘુસી ગયા હતા. જેમણે પહેલા ૧૫થી ૨૦ મુસાફરોને લૂંટ્યા. જે બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ૨૦ વર્ષની એક યુવતી પર સામુહિક બળાત્કાર થયો હતો. હાલ આ સમગ્ર કેસમાં ૪ શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ ફરી મહિલાઓની સલામતી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.
આ ઘટના શુક્રવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ સ્લીપર કોચમાં બની હતી. આ અનપેક્ષિત ઘટનાને કારણે મુસાફરોમાં ભયનું વાતાવરણ છે. જીઆરપી પોલીસ કમિશનર કૈસર ખાલિદના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રેન ઘાટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
ત્યારે લૂંટારાઓએ સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ઘાટ પાર કર્યા બાદ કસારા રેલવે સ્ટેશન પહોંચતા પીડિતાએ મુસાફરો પાસે મદદ માંગી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જીઆરપીએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
હાલમાં ચાર બદમાશોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ ચાલુ છે. આ મામલાની તપાસ જીઆરપી અને ક્રાઈમ બ્રાંચની ટીમ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર લૂંટારાઓ પાસેથી લગભગ ૯૬,૩૯૦ રૂપિયાની સંપત્તિ, મોટેભાગે મોબાઇલ ફોન અને ૩૪,૨૦૦ રોકડા મળી આવ્યા છે.
અગાઉ પુણે શહેરમાં પણ એક સગીર છોકરી સાથે ગેંગરેપનો કેસ નોંધાયો હતો. જ્યારે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક મહિલા પર બળાત્કાર અને ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં, ઘણા જિલ્લાઓમાં આવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. તેમ છતાં, સરકાર આ ગુનાઓને રોકવા માટે કોઈ ચોક્કસ પગલું લેવા સક્ષમ નથી તેમ લાગી રહ્યું છે.SSS