ઠંડી મેં ગરમી કા અહેસાસ બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડી જાણે કે અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જાેકે હવામાન ખાતુ ઠંડીનો હજુ એક રાઉન્ડ આવશે તેમ જણાવી રહયું છે પરંતુ સુસવાટાભર્યા બર્ફીલા પવનો બંધ થઈ ગયા છે તેના સ્થાને સહન થઈ શકે તેવી ઠંડી (ફુલ ગુલાબી)નો પ્રારંભ થઈ ગયો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે અમદાવાદ જેવા શહેરમાં જયાં ગરમીનું પ્રમાણ વધારે રહે છે ત્યાં તો ધીમા પંખા કરવા પડે તેવી નોબત આવી ગઈ છે બે દિવસથી ગરમીનું પ્રમાણ વધતા દિવસ દરમિયાન ધીમી ઝડપથી ઓફિસો – રહેણાંકોમાં પંખા કરવા પડે છે મોડી રાત્રે પાછી ઠંડીની શરૂઆત થઈ જાય છે સવારે ઠંડી પડે છે પાછા જેવા સૂર્યનારાયણ દર્શન થાય તેમ દિવસ ચડતો જાય તેમ ગરમી લાગવા માંડે છે.
બે દિવસ પહેલા તો આકાશમાંથી જાણે કે વાદળો ઉતરી આવ્યા હોય તેવુ ધુમ્મસ છવાઈ ગયુ હતું જેને લીધે વીઝીબીલીટી ઘટી જતા હાઈવે પર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો જાેકે છેલ્લા બે દિવસથી ઠંડી ઓછી થતા અને ગરમી વધતા નગરજનોએ રાહત અનુભવી છે બપોરે તો પહેરેલા સ્વેટર કાઢી નાંખવા પડે છે. મંદમંદ પવનને કારણે એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તેની સાથે બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહયા છે. શિવરાત્રીથી ઠંડી ઓછી થતી જાય છે અને હોળી પછી તો રીતસરની ગરમીની શરૂઆત થઈ જાય છે. આ વખતે શિયાળો થોડો સમય લંબાય તેવી શક્યતાઓ છે.