Western Times News

Gujarati News

ઠક્કરનગરમાં યુવક પાસેથી રૂપિયા પડાવી લૂંટેરી દુલ્હન ફરાર

FilesPhoto

દંપત્તિ સહિત ૬ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાતા કૃષ્ણનગર પોલીસે શરૂ કરેલી તપાસઃ લગ્નના ત્રણ જ દિવસમાં કોલકતાની યુવતિ ભાગી ગઈ:ટોળકીના સાગરીતોની શોધખોળ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ વધી રહ્યા છે. એમાય ખાસ કરીને આ ટોળકીઓમાં પરપ્રાંતિય યુવતીઓ યુવકને ફસાવીને લગ્ન કરાવ્યા બાદ ફરાર થઈ જતી હોય છે. આવી જ એક ઘટના શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બનવા પામી છે. જેમાં પ્રથમ પત્નીથી સંતાન નહીં થતાં છૂટાછેડા લીધા બાદ યુવક બીજા લગ્ન કરવા ઈચ્છુક હતો. અને આ તકનો લાભ એક ટોળકી ઉઠાવ્યો હતો.

પ્રારંભમાં વાતચીત કરી વિશ્વાસ કેળવ્યા બાદ કોલકતાની એક યુવતિ સાથે આ યુવકના લગ્ન કરાવવામાં આવ્યા હતા. અને આ પેટે આ ટોળકીએ યુવક પાસેથી રૂ.૭૦ હજાર પડાવી લીધા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ જ આ યુવતિ ફરાર થઈ જતાં છેતરપીંડીનો ભોગ બનેલા યુવકે કુલ છ આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.

આરોપીઓમાં એક દંપત્તિ પણ સામેલ છે.  આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કોઈ કારણોસર લગ્ન નહીં થતાં યુવકો હવે સમાજની બહાર અન્ય જ્ઞાતિની યુવતિઓ સાથે લગ્ન કરી રહ્યા છે. જા કે આ માટે કેટલાંક સમાજના મોભીઓ કાયદેસર રીતે બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા સહિતની યુવતિઓ સાથે લગ્ન કરાવવા માટેનું માળખું ગોઠવેલું છે અને સમુહલગ્ન પણ યોજાતા હોય છે.

આ પરિસ્પથિતિ નો કેટલાંક ગઠીયાઓ લાભ ઉઠાવી રહ્યા છે લગ્ન ઈચ્છુક યુવાનોને શોધી તેને પોતાની જાળમાં ફસાવે છે. અમદાવાદ શહેરમાંથી જ તાજતેરમાં લૂંટેરી દુલ્હનનું નેટવર્ક ઝડપી લઈને પોલીસે કેટલાંક આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ હજુ પણ આવી ગેગ શહેરમાં સક્રિય છે.

શહેરના ઠક્કરબાપાનગરમાં આવેલી આરડી સ્કુલ પાસે લાભાર્થ સ્કુલ પાસે રહેતા મહેશભાઈ માંગીલાલ તિવારીના લગ્ન દસ વર્ષ અગાઉ થયા હતા. લગ્નજીવનના બે ત્રણ વર્ષ થવા છતાંય તેમને સંતાન થતું નહોતુ. જેથી મહેશભાઈએ સંતાન માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. અને આ માટે તેણે પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ તેણે યુવતિની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમ્યાનમાં તેમનો પરિચય ધીરજ સાથે થયો હતો. અને ધીરજને સમગ્ર હકીકત જણાવી હતી. અને ધીરજે મહેશનો સંપર્ક કમલેશ ત્રિવેદી અને વંદના ત્રિવેદી સાથે કરાવ્યો હતો. આ બંન્ને પતિ પત્નીએ મહેશ માંગીલાલ સાથે વાતચીત કરી તેના લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. કમલેશે મહેશને કેટલીક છોકરીઓ બતાવી હતી. જેમાંથી કોઈ એક છોકરી પસંદ કરી તેની સાથે લગ્ન કરવાનું જણાવ્યુ હતુ.

વટવા વિસ્તારમાં આવેલા સાંઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતા ધીરજ કોષ્ટી, કમલેશ ત્રિવેદી, વંદના ત્રિવેદી અને પિંંકી મેકવાન સાથે પરિચય કેળવાયા બાદ મહેશને યુવતિઓ બતાવવામાં આવી હતી. આ દરમ્યાનમાં કોલકતાથી ભોલા નામનો એક યુવક પણ આવ્યો હતો. તેની સાથે પણ મહેશને પરિચય કરાવવામાં આવ્યો હતો. ભોલાની બહેન પ્રતિમા રાજનદાસ સાથે લગ્ન કરવાનું મહેશે નક્કી કર્યુ હતુ.

આ લગ્ન માટે આ ટોળકીએ રૂ.૭૦ હજાર નક્કી કર્યા હતા. અને એ મુજબ આ રકમ મહેશે આપી દીધી હતી. ત્યારબાદ પ્રતિમા સાથે મહેશે લગ્ન કરી લીધા હતા.

લગ્ન કર્યા બાદ મહેશ તિવારી ખુબ જ ખુશ જણાતો હતો. પરંતુ લગ્નના ત્રણ દિવસ બાદ બપોરના સમયે પ્રતિમા અચાનક જ ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. યુવતિ ભાગી જતાં અંતે મહેશને પોતે છેતરાયો હોવાનું ભાન થયુ હતુ. અને તે લુંટેરી ગેગનો શિકાર બન્યો હોવાનું માની લીધું હતુ.

ત્યારબાદ મહેશે વટવામાં રહેતી ટોળકીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે વંદનાએ મહેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે તેણે ઓછા રૂપિયા આપ્યા હોવાથી તે ભાગી ગઈ છે.

લુંટેરી દુલ્હન રૂપિયા લઈને ભાગી જતાં આખરે મહેશ તિવારીએ આરોપીઓ ધીરજ કોષ્ટી, કમલેશ ત્રિવેદી, વંદના ત્રિવેદી, પિંકી મેકવાન, ભોલા તથા લૂંટેરી દુલ્હન પ્રતિમા રાજનદાસ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો નોંધાતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા છે. અને આ સમગ્ર ટોળકીને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.