ઠગે સરપ્રાઇઝ ગિફ્ટના નામે ૨.૪૦ લાખ ખંખેર્યા

અમદાવાદ: શહેરમાં હવે ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે. એક જ દિવસમાં શહેરમાં આઠ ફરિયાદો નોંધાઈ છે. જેમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાના નાણા પરત આપવાના નામે ગઠીયાએ રૂપિયા ૭.૩૬ લાખ પડાવી લીધા છે. મેઘાણીનગરમાં ડિજિટલ પેમેન્ટ કંપનીના કર્મીએ ૭૫ હજાર સેરવી લીધા હતા. નારણપુરામાં આર્મી જવાન હોવાનું કહી મકાન ભાડે આપવાના નામે ૪૮ હજાર પડાવી લીધા છે.
પાલડીમાં મહિલાની સાસુની સ્કૂલમાં એડમિશન લેવાના બહાને ૭૫ હજાર સેરવી લેવાયા હતા. સોલા ખાતે બેન્ક મેનેજરના નામે ૬૦ હજાર અને વિદેશથી આવેલા કુરિયર છોડાવવાનું કહી ગઠિયાઓએ ૧.૩૫ લાખ પડાવી લીધા હતા. વાસણા વિસ્તારમાં ર્ંઙ્મટ પર વસ્તુ લે-વેચના નામે ૯૩ હજાર રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદો નોંધાઈ છે. નવરંગપુરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી એક વ્યક્તિએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાને વિશ્વાસ અપાવવા સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાના બહાને ૨.૪ લાખ રૂપિયા પડાવી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા એસ.જી. હાઈવે ઉપર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જે બાબતે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્ષ ૨૦૨૧ના મે મહિનામાં મહિલાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર માઈકલ પેટ્રિક નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ પહેલા આવી હતી તે મહિલાએ સ્વીકારી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ મારફતે માઈકલ પેટ્રિક નામના માણસ સાથે મહિલાએ વાતચીત ચાલુ કરી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.