ઠાર કરાયેલા બગદાદીની બહેન સહિત તેના પતિ અને વહુની તુર્કીમાં ધરપકડ
વોશિંગ્ટન, તાજેતરમાં ઠાર કરાયેલા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પ્રમુખ અબૂ બક્ર અલ-બગદાદીની બહેનને સોમવારના રોજ તુર્કીમાં પકડી લેવાઈ છે. એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર તેને અઝાઝના ઉત્તરી સીરિયાઈ શહેરમાંથી પકડીી પાડવામાં આવી છે. તેના પતિ અને તેની વહુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની ધરપકડ કરીને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
અધિકારીએ જણાવ્યું કે જ્યારે બગદાદીની બહેનની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સાથે પાંચ બાળકો પણ હતા. અમને આશા છે કે આઈએસઆઈએસના ખૂફિયા કામકાજ વિશે બગદાદીની બહેન પાસેથી કોઈ જાણકારી મળી શકશે. દુનિયાને બગદાદીની બહેન વિશે સ્વતંત્ર રીતે ખૂબ જ ઓછી જાણકારી છે.
ગયા મહિને જ્યારે અમેરિકી સેનાએ એક ગુફામાં બગદાદીને ઘેરી લીધો હતો ત્યારે તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આઈએસઆઈએસે ગુરૂવારના રોજ ઓનલાઈન એક ઓડિયો ટેપ જાહેર કરીને પુષ્ટિ કરી હતી કે તેમના નેતાનું મૃત્યું નિપજ્યું છે અને આ માટે તેઓ અમેરિકા સાથે બદલો પણ લેશે તેવી પણ ધમકી આપી હતી.