ઠાસરા તાલુકાના ઢુણાદરામાં ગંદકીના કારણે ઝાડા-ઉલટીથી એકનું મોત
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે રોગચાળાએ માથું ઉંચકતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે પચાસથી વધુ વ્યક્તિઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓને ઉમરેઠની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ૧૫ દિવસથી પાણીજન્ય રોગચાળાના ભરડાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે. ગામમાં નિયમિત સફાઇના અભાવ તથા અખાદ્ય ખાણીપીણીના વેચાણના કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે ગામના સરપંચ કે સંબંધિત તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે આ રોગચાળો વધુ કોઇનો ભોગ લે એ પહેલા સત્વરે ગામમાં સર્વે કરી ઘેર-ઘેર દવા પહોંચાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ડાકોર પાસે આવેલ ઢુણાદરા ગામ આઠ હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં પંદરસોથી વધુ ઘરો આવેલા છે. છેલ્લાં પંદરેક દિવસથી ગામમાં પાણીજન્ય રોગ ઝાડા-ઉલ્ટીનો વાવર ફેલાયો છે. જેને કારણે ગત્ ૧૯મી જૂલાઇના રોજ ગામના ૩૨ વર્ષિય મયુદ્દીન નબીખાન પઠાણનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના ઘરના અન્ય સભ્યો પણ ઉમરેઠ ખાતેની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામના મહિસાવાળા, ઇન્દીરાનગરી, વાઘેલાવાસ જેવા વિસ્તારોના અનેક રહીશો તેમજ બાળકો પણ ઝાડ-ઉલ્ટીના ભોગ બન્યા હોવાનું જાણવા મળેલ છે.આ અંગે ગ્રામજનોએ ગામના સરપંચ સમક્ષ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સરપંચ દ્વારા આ રોગચાળો અટકાવવા માટેના કોઇ પગલાં ન ભરાયા હોવાનું ગ્રામજનો જણાવે છે.
ગામના રહીશોના જણાવ્યા મુજબ ગામમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરવો કે પાણીપુરી જેવા અખાદ્ય પદાર્થોનું વેચાણ બંધ કરાવવા માટે પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગંભીર રોગચાળો બીજા કોઇ વ્યક્તિનો ભોગ લે એ પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઘેર-ઘેર સર્વે કરી દવા પહોંચાડવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. ત્યારે બોરના પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે. તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. આ અંગે ઠાસરાના બ્લોક હેલ્થ ઓફિસર ડા. રજનીકાંત પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. *