ઠાસરા પાલિકાના વોર્ડ નં.૩ માં પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત

પ્રતિકાત્મક
ઠાસરા, ખેડા જિલ્લા ઠાસરા નગરપાલિકા વોર્ડ નં.૩ ના છેવાડા વિસ્તારમાં આવેલા ફેરકુવા નગરી, મોટો સૈયદ વાડો તેમજ નારા માલજીભાઈની પોળ કે જયાં કેટલાય દિવસથી બોર કૂવાની મોટર બળી ગયેલ છે અહીયા રહેતા સ્થાનીકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે.
નગરપાલિકા અને આ વિસ્તારના સભ્યોને વારંવાર રજુઆત કરવામાં આવી છતાં રપ દિવસથી પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. આંતરે દિવસે માત્ર ટેન્કર આવે છે અને પાણી આપી જાય છે. ઠાસરા પાલિકા દ્વારા ટેન્કર વડે પાણી આપવામાં આવે છે ત્યારે વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પાણી ભરવા આવે છે.
પાણીની સમસ્યાઓ કાયમી હલ થાય તેવી સ્થાનિકોની માંગણી છે. આ તમામ વિસ્તારના રહીશો દ્વારા ઠાસરા નગરપાલિકામાં જઈને આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ઠાસરા નગરપાલિકાના પ્રમુખ સન્ની પટેલે જણાવ્યું હતું કે તમામ વિસ્તારમાં નવી મોટરો લાવી પડે તેમ છે તેમજ પ્રમુખ તરીકે ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફીસર સાથે વાત કરેલ છે ચીફ ઓફીસર દ્વારા ટેન્ડરીંગ કરી મોટરો નવી લાવવાની તૈયારી કરેલ છે.
ઠાસરા નગરપાલિકાના મોટા સૈયદ વાડો વિસ્તારમાં પોતે મોટર મુકીને પાણી લાવવાનું ચાલુ કરેલ છે તેનું ભાડું પ્રમુખ ભરે છે ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે.