ડબલ મર્ડર કેસમાં યુવકે ડોકટરો કિડની કાઢી લે છે તેમ કહીને પોસ્ટમોર્ટમ થવા દીધું નહીં
ડબલ મર્ડર કેસમાં યુવકે ડોકટરના નામે સાસરિયાને ડરાવ્યા હોવાનો ઘટસ્ફોટ
સોની પરિવારના સભ્યોને શેરડીના રસમાં ઝેર નાંખી પીવડાવ્યો હતો: ડોકટરો કિડની અને બીજા અવયવો કાઢી લે છે તેમ કહીને પોસ્ટમોર્ટમ થવા દીધું નહીં
વડોદરા, તરસાલીના સોની પરિવારના સભ્યોને શેરડીના રસમાં ઝેર પીવડાવી મારી નાખ્યા બાદ બારોબાર અંતિમ સંસ્કાર કરવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પત્નિ, પુત્ર અને પિતાને મારી નાખવાના પ્રયાસમાં પત્ની અને પિતાનું મૃત્યુ થયું છે જયારે પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. ગત તા.૧લી મેની રાતે ચેતનભાઈ મનોહભાઈ સોની ક્યાંકથી શેરડીનો રસ લઈ આવ્યા હતા.
આ રસમાં તેમણે પોટેશિયમ ગોલ્ડ સાઈનાઈડ મિકસ કરીને પત્ની બિંદુબેન, પુત્ર આકાશ અને પિતા મનોહરભાઈને પીવડાવ્યો હતો. ફૂડ પોઈઝનિંગ થયું છે જણાવીને સયાજીમાં દાખલ કર્યા હતા. સૌ પ્રથમ પિતા અને પછી બિંદુબેનનું મોત નીપજયું હતું.
ચેતનભાઈ સોનીના કુટુંબના ઘણા ઓછા સભ્યો હતા જયારે બિંદુબેનના પીયર પક્ષના સભ્યોની સંખ્યા વધુ હતી. અંતિમ વિધિ માટે સાળા મનોજકુમાર સોનીએ બનેવી ચેતનભાઈ સોનીને પુછયું હતું કે અકાળે થયેલા મૃત્યુ બદલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. જેના જવાબમાં ચેતનભાઈએ એવો જવાબ આપ્યો હતો કે, આપણે ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવીશું તો ડોકટરો અને મેડિકલ સ્ટાફ કિડની અને શરીરના અન્વ અવયવો કાઢી લેશે,
આમ જણાવીને પત્ની બિંદુબેનના પીયર પક્ષના સભ્યોને ખામોશ કર્યા હતા. દવાખાનાની વર્ધીથી લઈને અત્યાર સુધીની તપાસમાં એવું ચિત્ર ઉપસી આવે છે કે, ચેતનભાઈ સોનીને બાદ કરતાં સોની પરિવારના બાકીના ૩ સભ્યો જયારે તા.૧લીએ રાત્રે શેરડીનો રસ પી રહ્યાં હતા ત્યારે આ રસમાં ખતરનાક ઝેર ભેળવાયું હોવાથી સંપૂર્ણપણે અજાણ હતા.
આ કિસ્સો સામુહિક આત્મહત્યાનો હોત તો ચેતનભાઈએ પણ શેરડીનો રસ પીધો હોત. ચેતનભાઈએ ત્યારે ઝેર પીધું જયારે પત્ની અને પિતાના મૃત્યુ પછી પોલીસ તપાસ શરૂ થઈ. તે પોતે શંકાના દાયરામાં આવી ચૂકયા હતા. ચેતનભાઈ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની અને પુત્ર આકાશ બંન્નેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.