ડબ્બા ટ્રેડિગ માટેની એપ્લિકેશન બનાવનાર ડેવલપર સુધી તપાસ કરાશે

આંબાવાડીના ડબ્બા ટ્રેડિંગ રેકેટમાં વધુ બે નામ ખૂલ્યાઃ આંતર રાજય તારની શંકા
અમદાવાદ, તાજેતરમાં આંબાવાડી વિસ્તારમાંથી ઝડપાયેલા ડબ્બા ટ્રેડીગના રાજયવ્યાપી રેકેટમાં ૧૧ આરોપીની ધરપકડ બાદ તપાસ દરમ્યાન એલીસબ્રીજ પોલીસે તેઓ લોકો પાસે આગળ સટ્ટો કપાવતા હતા
તેવા બે નામ મળ્યા હોવાનું તથા ટુંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત ડબ્બા ટ્રેડીગ માટે ઉપયોગમાં લેવાયેલી એપ્લીકેશન અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ સુત્રોએ ઉમેયું હતું.
આંબાવાડીના શ્યામક કોમ્પલેક્ષની એક ઓફીસમાં શાશ્વત સ્ટોક બ્રોકર્સ પ્રા.લી.ના નેજા હેઠળ વિકકી ઝવેરી તથા પિનાક સ્ટોક બ્રોકર્સના નામે સૌમિલ ભાવનગરી ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડીગ ચલાવતા હોવાની માહિતી મળતાં જ શુક્રવારે એલીસબ્રીજ પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન પોલીસે વિકકી, સૌમિલ, સૌમિલના ભાઈ તેજસ સહીત ૧૧ આરોપીને ડબ્બા ટ્રેડીગ કરતા ઝડપી લીધા હતા.
પ્રાથમીક તપાસમાં મેટાટ્રેડર્સ નામની એપ્લીકેશન દ્વારા ડબ્બા ટ્રેડીગ રમાડવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. સીનીયર ઈન્સ્પેકટર એસ.જે. રાજપુતે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને બે દિવસના રીમાન્ડ પર સોંપાયા હતા. જે પૂરા થતાં તેમનેસાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી અપાયા છે. તપાસમાં પોલીસને ડબ્બા ટ્રેડીગની આગળની લીક ચલાવતા અમદાવાદ બે લોકોના નામ મળતા પોલીસ તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ડબ્બા ટ્રેડીગ માટે ઉપયોગમાં લેવાતી એપલીકેશન અંગે પણ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી તેના ડેવલપર સુધી પહોચવાના પ્રયાસ હાથ ધર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખૂબ જ મોટાપાયે ચાલતા ડબ્બા ટ્રેડીગ રેકેટમાં હાલમાં ભલે ફકત રોકડ રૂ.૧૮.પર લાખ જપ્ત થયા હોય,
પરંતુ આ કાળા કારોબારનો આંકડો ખૂબ મોટા હોવાનું તથા આ તપાસમાં ઈન્કમટેક્ષની તપાસ થાય તો ખૂબ મોટું નાણાકીય કૌભાંડ પણ બહાર આવવાની શકયતા છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયોમાં આ કૌભાંડ ફેલાયેલું છે કે નહીં તેની પણ પોલીેસે તપાસ હાથ ધરી છે.