ડબ્બા ટ્રેડીંગમાં તળાજાના અનેક યુવાનોના ૩ કરોડથી વધુ ડુબ્યાની ચર્ચા
તળાજા, તળાજા શહેરમાંથી તાજેતરમાં જ એક યુવાન ગુમ થયાની વાત આવ્યા બાદ એવી ચોંકાવનારી વિગતો સાભળવા મળી રહી છે કે તળાજાના જ નહીં ભાવનગર જીલ્લાના અનેક યુવાનોએ લાખો રૂપિયા ડબ્બા ટ્રેડીંગમાં ખોયા છે. બધાનો સરવાળો કરવામાં આવે તો કરોડો રૂપિયાએ આંકડો આંબે એમ છે.
તળાજા ભાજપના એક આગેવાન કાર્યકરની વાત માનવામાં આવે તો જે યુવકને કોમ્પ્યુટર લેવા માટે પંદરેક હજાર રૂપિયા મદદ અર્થેે આપ્યા હતા. એ યુવકે થોડા જ સમયમાં ફોર વ્હીલ, લાખો રૂપિયાના સોનાની ખરીદી કરી હતી. અને અન્ય મિલકતોનો માલિક બન્યો છે.એની પાછળ ડબ્બા ટ્રેડીંગ છે.
તાજેેતરમાં યુવકના ગુમ થયાના વાવડ બાદ શહેરમાં ડબ્બા ટ્રેડીંગમાં મોટો ચડાવ ઉતાર થઈ રહ્યો છે. જેમાં અનેક યુવાનોને લાખ્ખો રૂપિયાની ખોટ આવી છે. શેર બજારમાં અનેક યુવકો રોકાણ કરતા થયા છે. જેમાં મોટાભાગના આઈપીઓ ભરતા થયા છે. અમુક લોકો જ ઝડપથી રૂપિયા કમાવવાની લ્હાયમાં ડબ્બા ટ્રેડીંગ તરફ વળ્યા છે. જે આજે લાખ્ખો રૂપિયાની હારજીત કરી બેઠા છે.