ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાંખતા સ્થળ ઉપર મોત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારના ધર્મનગર ટાઉનશીપ પાસે એક ડમ્પર ચાલકે સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવાનને ડમ્પર ચાલકે કચડી નાંખતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ભાગવા જતા સ્થાનિક વાહન ચાલકોએ તેને ઝડપી પાડી સી ડીવીઝન પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં ગરીબ પરિવારમાં રહેતો ફિરોઝ યુનુસભાઈ બેરા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી વસંત મસાલામાં સેલ્સમેન તરીકેની ફરજ બજાવતો હતો.રાબેતા મુજબ તે પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો.તે વેળા બાઈક પર ધર્મનગર ટાઉનશીપ નજીક પાસેથી પસાર થઈ રહ્યો હતો
તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે માટેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પર ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર ફિરોઝ યુનસ બેરાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર સ્થળ ઉપર મૂકીને ફરાર થતા લોક ટોળા તેને ઝડપી પાડી સી ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો લઈ પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને સોસાયટી વિસ્તારમાં સાંકળી ગલીઓમાં પૂર ઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો અને શહેર સવારથી ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો દોડતા પોલીસ અને આરટીઓ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તો અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.