ડાંગના ટાકલીપાડા ગામના શિક્ષકે 75 વૃક્ષોનુ વાવેતર કરી તેના ઉછેરનો સંકલ્પ કર્યો
આહવા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના ટાકલીપાડા ગામના શિક્ષકે, વ્યક્તિગત રીતે પંચોતેર વૃક્ષોનુ વાવેતર કરી તેના ઉછેરનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ટાકલીપાડા ગામે ફરજ બજાવતા,
અને “ચિત્રકૂટ એવોર્ડ” થી સન્માનિત મુખ્ય શિક્ષક શ્રી સુભાષ ભોયેએ, સ્થાનિક વન વિભાગના સહયોગથી આહવા મુખ્ય મથકના વિવિધ વિસ્તારો જેવા કે સનસેટ પોઇન્ટ, આશ્રમ રોડ, મારુતિ મંદિર, તળાવ કિનારેનુ ગાર્ડન સહિત પોતાની શાળા, અને આહવા-ઘોઘલી રોડ, આહવા-સાપુતારા રોડ, ઉપરાંત આહવા- બોરખેત રોડ ઉપર પડતર જમીનમા આ બળવૃક્ષોનુ વાવેતર કર્યું છે.
બોરસલી, આશોપાલવ, અશોક, સચિત્રો (સેંગ), કાચનાર, લીમડો, જમરૂખ જેવા વૃક્ષોનુ વાવેતર કરી આ શિક્ષકે તેની માવજત માટે, આગામી દિવસોમાં વૃક્ષોને પાણી પીવડાવવા સહિત, ટ્રી ગાર્ડ લગાવવા સહિતની કામગીરી હાથ ધરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમા પોતાની સામાજિક જવાબદારી અદા કરતા શ્રી સુભાષ ભોયેએ વિદ્યાર્થીઓ, અન્ય શિક્ષકો, તથા પ્રજાજનોને કમ સે કમ એક એક વૃક્ષ વાવેતર સાથે પર્યાવરણની રક્ષા કરવાનો મુક સંદેશ પણ આપ્યો છે.