Western Times News

Gujarati News

ડાંગની ગ્રામીણ મહિલાઓને કુનેહ અને કૌવતને બહાર લાવવાનો મહાનુભાવોનો અનુરોધ

આહવા ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

(ડાંગ માહિતી બ્યુરો) આહવાઃ, સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી નારીઓનુ ગૌરવગાન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, સુશાસનને કારણે દેશની નારીઓએ ઊંચી ઉડાન ભરી છે તેમ જણાવી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ડાંગની નારીઓએ તેને અપાયેલા નારાયણીના ઉચ્ચ સ્થાનને સાચા અર્થમા સાર્થક કર્યું છે તેમ જણાવ્યુ હતુ.

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારની નારીઓને પણ, તેમના કુનેહ અને કૌવતને બહાર લાવીને, હમ ભી કિસીસે કમ નહીંનો અવાજ બુલંદ કરવાની પ્રમુખ શ્રી ગાવિતે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ વેળા હિમાયત કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવતા મહિલા અગ્રણી શ્રીમતી સીતાબેન નાયકે, તેમના પ્રાસંગિક ઉદબોધનમા, ડાંગની મહિલાઓને માત્ર એક દિવસ જ નહીં, પરંતુ વર્ષભર આત્મ સન્માન સાથે જીવન ગુજારવુ જાેઈએ તેમ જણાવ્યુ હતુ.

રાજ્યની મહિલાઓના આત્મા ગૌરવ માટે વડાપ્રધાનશ્રીએ અનેકવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલી બનાવી છે ત્યારે આવી યોજનાનો લાભ લઈને, મહિલાઓને આર્ત્મનિભર બનવાની હિમાયત કરી હતી. શ્રીમતી નાયકે ડાંગ જિલ્લાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના કાર્યક્રમમા, ગ્રામીણ નારીઓમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી, પોતાના આત્મગૌરવને ઉજાગર કરવાની પણ અપીલ કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સથવારે પોતે પગભર બનીને, અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને તેનો મહત્તમ લાભ લેવાની પણ શ્રીમતી સિતાબેન નાયકે આ વેળા હિમાયત કરી હતી.

દરમિયાન જુદાજુદા ક્ષેત્રે વિશિષ્ટ કાર્યપ્રદાન બદલ કેટલીક સશક્ત અને સફળ મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાઇ હતી. જેમા રમતગમત, શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રની અગ્રણી મહિલાઓને શાલ, અને સન્માનપત્રો એનાયત કરાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતા.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા સને ૨૦૧૯થી અમલી વ્હાલી દિકરી યોજનાનો જિલ્લાની ૪૨૮ લાભાર્થીઓને લાભ અપાયો છે. જ્યારે કુલ ૪ લાભાર્થીઓને રૂપિયા પચાસ હજાર લેખે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ અપાયો છે. આ ઉપરાંત ૩૫૭૭ લાભાર્થી બહેનોને માસિક રૂ.૧૨૫૦/- લેખે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ પણ આપવામા આવી રહ્યો છે.

મહિલા ઉત્કર્ષ માટે સતત પ્રયાસરત સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમા મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા માટે રૂ.૯૧૭ કરોડની જાેગવાઈ સાથે, વ્હાલી દિકરી યોજના માટે રૂ.૮૦ કરોડની જાેગવાઈ કરવામા આવી છે. આ ઉપરાંત રાજ્યના બજેટમા નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રૂ.૧ કરોડની જાેગવાઈ કરવામા આવી છે.

આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના પટાંગણમા યોજાયેલ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવણી કાર્યક્રમ દરમિયાન દહેજ પ્રતિબંધક અને રક્ષણ અધિકારી શ્રી એસ.ડી. સોરઠીયાએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. કાર્યક્રમના અંતે આભારવિધિ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા ચૌધરીએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે અસ્મિતા બારોટ અને બીજુબાલા પટેલે સેવા આપી હતી.

કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવા સાથે, નારીશક્તિ પ્રતિજ્ઞાનુ વાંચન પણ સૌએ કર્યુ હતુ. લાભાર્થીઓએ તેમની સફળગાથા પણ પ્રેક્ષકો અને મહાનુભાવો સમક્ષ રજુ કરી હતી. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.