ડાંગમાં હોસ્પિટલનું નિર્માણ કરનારા ડોક્ટરનું નિધન
ડાંગ: ડાંગનાં આદિવાસીઓ માટે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા અને છેલ્લા કેટલાક વર્ષોથી બોસ્ટનમાં વસી ગયેલા ડો. અશોક પટેલનું કોરોનાના કારણે નિધન થયું છે. ૮મી નવેમ્બરે ડો. અશોક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ૨૮મી નવેમ્બરે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા. અદ્યતન હોસ્પિટલના નિર્માણ બાદ તેઓ આખા ડાંગ જિલ્લાનું નવસર્જન કરવા માગતા હતા અને તેમણે રોડમેપ પણ તૈયાર કરી લીધો હતો. ડોક્ટરના પરિવારમાં તેમની પત્ની સરોજબેન અને બે દીકરીઓ નતાશા અને નિરાલી છે.
ડો. અશોક પટેલ તેમના સેવાભાવી સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ દર વર્ષે અમેરિકાથી ડોક્ટરોની ટીમ લઈને આવતા હતા અને આહવામાં આદિવાસીઓ માટે આરોગ્ય શિબિરો યોજતા હતા. ગયા વર્ષે આહવામાં સતત છઠ્ઠા વર્ષે આરોગ્ય શિબિર યોજાઈ હતી. તે સમયે તેઓ અમેરિકાથી ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને વોલેન્ટિયર્સ સહિત ૬૦ લોકોની ટીમને લઈને આવ્યા હતા.
ટીમે સાત દિવસ સુધી શિબિર યોજી હતી. જેમાં આશરે ૧ હજાર કરતાં વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ડો. અશોક પટેલ પહેલા શિબિરનું આયોજન સાપુતારાની હોટલમાં કરતા હતા. પરંતુ આહવામાં જ હોસ્પિટલ બની જતાં ત્યાં શિબિર યોજાતી હતી. ડાંગ જિલ્લાનો આખો નકશો બદલી નાખવાના તેમણે ઘણા સપના સેવ્યા હતા પરંતુ કોરોનાએ ભોગ લેતા તેમનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું છે.