ડાંગરની ખરીદી થતી નથી, લોકો ચૂંટણીમાં પાઠ ભણાવશેઃ ભાજપ નેતા
લખનૌ, ઉત્તર પ્રદેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ડાંગર ખરીદીના મુદ્દે રાજકારણ ગરમાયું છે, જાે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં, તેમના જ નેતાઓ ડાંગર ખરીદીના બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ડાંગરની ખરીદી નહીં થવાને કારણે એક ખેડુતે તો પોતાનો ડાંગરના પાકને આગ લગાવી દીધી હતી.
ઉત્તર પ્રદેશના બજારોમાં ડાંગરની ખરીદી થતી ન હોવાની ફરિયાદો વધી રહી છે. સામાન્ય ખેડુતો ઉપરાંત ભાજપ નેતાએ પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે.લખીમપુર ખીરીમાં ભાજપના એક નેતાએ ચેતવણી ઉચ્ચારી છે કે જાે આવા જ હાલ રહ્યા તો પ્રજા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવશે. એક દિવસ પહેલાં જ લખીમપુર ખીરીમાં એક ખેડુતે ૧૫ દિવસ સુધી ડાંગરનું વેચાણ નહીં થવાને કારણે ડાંગરને આગ લગાવી દીધી હતી. સાથે જ લખીમપુર ખીરી કાંડમાં અવાજ ઉઠાવનાર વરુણ ગાંધીએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.
લખીમપુર ખીરીમાં ભારતીય જનતા યુવા મોર્ચાના નેતા અનુરાગ વાજપેયીએ પોતાનો વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે તેઓ ૬ દિવસથી ડાંગરની ટ્રોલી લઇને સરકારી ખરીદ કેન્દ્ર પર ઉભા છે, પરંતુ ડાગંરની ખરીદી કરવામાં આવતી નથી.જાે આવા જ હાલ રહ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા પોતાનો પરચો બતાવશે. અનુરાગ વાજપેયીએ કહ્યું કે આપણા જ સંગઠનના મોટા નેતાઓ પણ ડાંગર વેચાણની ભલામણ કરી ચૂક્યા છે. આમ છતા હજુ સુધી ડાંગરની ખરીદી કરવામાં આવતી નથી. ભાજપના નેતાના આવા હાલ છે તો પછી સામાન્ય પ્રજાનું શું થશે?
ભાજપ નેતા અનુરાગ વાજપેયી ઉપરાંત અન્ય ભાજપ નેતા વરુણ ગાંધીએ પણ ડાંગર ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ખેડુત દ્રારા ડાંગરને આગ લગાડી દેવાની ઘટનાનો વીડિયો ટવીટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, લખીમપુરના મોહમ્મદી વિસ્તારમાં ડાંગરના વેચાણ નહીં થવાને કારણે નારાજ એક ખેડુતે પોતાના ડાંગરને આગ લગાવી દીધી હતી.
થોડા સમય અગાઉ લખીમપુરના ગોલા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ ગિરિ પણ ડાંગરના વેચાણ નહીં થવાને કારણે નારાજગી વ્યક્ત કરવા ધરણાં પર બેઠાં હતા.ઉપરાંત ભાજપના સાંસદે કહ્યું હતું કે કૃષિ નીતી પર પુનવિચારણાની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ ડાંગર નહીં ખરીદાતો હોવાનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.HS