ડાંગ જિલ્લામા મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને ફોર્ટી ફાઇડ ચોખાનુ વિતરણ

ડાંગ જિલ્લામા મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમા નોંધાયેલા તમામ બાળકોને ફોર્ટીફાઈડ ચોખાનુ વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે.
ડાંગના મધ્યાહ્ન ભોજન યોજનાના મામલતદાર શ્રી ડી.કે.ગામીત તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, ધોરણ ૧ થી ૮ ના જિલ્લામા નોંધાયેલા કુલ ૪૨,૫૩૪ બાળકોને ફૂડ સિક્યોરીટી એલાઉન્સીસ અંતર્ગત જે અનાજ આપવામા આવી રહ્યુ છે, તેમા ફોર્ટીફાઈડ ચોખાનો સમાવેશ કરાયો છે.
ફોર્ટીફાઈડ ચોખા એટલે પોલીશ્ડ કાચા ચોખા, જેને ચોખાના આકારના દાણા (ફોર્ટીફાઈડ રાઈસ કર્નલ અથવા એફ.આર.એ.) સાથે ૧:૯૯ ના પ્રમાણમા ભેળવવામા આવે છે. જે ભારતના ફૂડ સેફટી સ્ટાન્ડર્સ ઓથોરીટીના ધારાધોરણો અનુસાર આવશ્યક વિટામિન્સ અને ખનીજ તત્વોથી ભરપુર છે.
ફોર્ટીફાઈડ ચોખા કુપોષણ, એનીમિયા, આર્યન, અને સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ રોકવા માટેની અસરકારક વ્યૂહરચના છે, જેના વૈજ્ઞાનિક આધાર પુરાવા પણ છે. જેથી આહારની ટેવ બદલ્યા વિના રોજીંદા આહારને વધુ પોષક બનાવી શકાય છે.
ફોર્ટીફાઈડ ચોખાના ઉપયોગથી આહારમા આર્યન, ઝીંક, ફોલિક એસીડ, વિટામીન બી-૧૨, વિટામીન એ જેવા અન્ય તત્વો પણ ઉમેરવામા આવે છે. આ ચોખાના દાણા સફાઈ, ધોવા, અને રસોઈ કર્યા પછી પણ તેના પોષક તત્વોને જાળવી રાખી શકે છે. તેમ પણ વધુમા જણાવાયુ છે.