ડાંગ જિલ્લામા ૪૧ પૈકી બે ગ્રામ પંચાયતો બિનહરીફ થતા ૩૯ની ચૂંટણી યોજાશે

(ડાંગ માહિતી બ્યૂરો) આહવા, ડાંગ જિલ્લામા આગામી તા.૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ ૪૧ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાનાર હતી. જે પૈકી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખે કુલ પાંચ સરપંચો, અને ૪૪ સભ્યો બિનહરીફ થવા સાથે આહવા તાલુકાની ઘોઘલી અને વઘઇ તાલુકાની ચિંચોડ ગ્રામ પંચાયત આખેઆખી બિનહરીફ થવા પામી છે. જેથી હવે અહી કુલ ૩૯ પંચાયતોની ચૂંટણી યોજાશે.
આહવાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર-વ-રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી સુશ્રી કાજલ ગામિત તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, હવે આહવા તાલુકાની ૧૩, વઘઈની ૧૪, અને સુબીર તાલુકાની ૧૨ મળી કુલ ૩૯ પંચાયતોમા ચૂંટણી યોજાશે.
ઉપરાંત સુબીર તાલુકામા અન્ય બે પંચાયતોના સરપંચો બિનહરીફ થવા સાથે, વઘઇ તાલુકાની એક પંચાયતના સરપંચ પણ બિનહરીફ જાહેર થયા છે. આમ, અહી આહવા તાલુકામા કુલ ૧૩ સરપંચ પદ, સાથે વઘઇ તાલુકામા ૧૩, અને સુબીર તાલુકામા ૧૦ મળી કુલ ૩૬ સરપંચ પદની ચૂંટણી યોજાનાર છે. જ્યારે આહવા તાલુકામા ૧૩ પંચાયતોના ૧૧૭ સભ્યો, વઘઇના ૧૨૪, અને સુબિર તાલુકાના ૮૫ મળી કુલ ૩૨૬ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે.