Western Times News

Gujarati News

ડાકોરઃ હોળી ઉત્સવ પ્રસંગે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક

ડાકોરના જાહેર રસ્તાઓ અને મંદિર પાસે મજબુત સુરક્ષા

અમદાવાદ:ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવતીકાલે તા. ૬થી ૧૦ માર્ચ સુધી હોળી અને પૂનમના મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે ડાકોર મંદિરને સુંદર રોશનીથી ઝળહળતું કરી સુશોભિત કરવામાં આવ્યું છે. ડાકોર ખાતે આવતા શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરમાં અને મંદિર પરિસરની ફરતે આસપાસ સમગ્ર વિસ્તારમાં લોખંડી સરક્ષા વ્યવસ્થા પણ તૈનાત કરવામાં આવી છે. બીજીબાજુ, હોળી ઉત્સવને લઇ રાજા રણછોડના લાખો શ્રધ્ધાળુઓમાં ભકિતનો રંગ અને માહોલ અત્યારથી જ છવાયો છે. ડાકોર ખાતે હોળી ઉત્સવની શરૂઆત આવતીકાલે તા. ૬ માર્ચ અગિયારસના દિવસથી થશે, જે હોળીના બીજા દિવસ એટલે કે ધુળેટી સુધી ચાલશે. હોળી ઉત્સવ નિમિતે રણછોડરાયજી મંદિરને વિશેષ શણગાર કરવા સાથે રોશનીથી સજાવવામાં આવ્યું છે. સાથે સાથે ૧૫ લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવનાર હોવાથી ત્રણ લાખથી વધુ લાડુ પ્રસાદી તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.

પદયાત્રી માર્ગ પર ઉત્સવ નિમિતે મંદિરમાં દર્શનના સમય સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, ત્યારે ૫ાંચ પ્રોજેક્ટર સાથે એલઇડી મુકવા સહિત એક ધજા કેન્દ્ર મુકવામાં આવ્યા છે.  ડાકોર ખાતે મેળામાં આવનાર યાત્રિકો માટે સુવિધાઓ અને સુરક્ષાના મામલે વ્યાપક ચર્ચાઓ માટે મંદિર સત્તાવાળાઓ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાકોરના જાહેર રસ્તાઓ અને મંદિર નજીક સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના મામલે રામઢોલ અને રંગો નાખવા ઉપર પહેલી વખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે,

ત્યારે ૧૫ લાખથી વધુ દર્શનાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા હજારો પોલીસ જવાનો, એસઆરપી જવાનો, હોમગાર્ડ સાથે ચેતક કમાન્ડો અને ડ્રોન કેમેરા સહિત ૨૦૦ જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ડાકોર ખાતે હોળી ઉત્સવ સંપન્ન થાય તે માટે ડાકોર મંદિર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.