ડાન્સ ઈન્ડિયા ડાન્સનો સેકન્ડ રનરઅપ ડિલિવરી બોય તરીકે કામ કરે છે
કોલકતા: ડાન્સિંગ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’નો સેકન્ડ રનરઅપ રહેલો બિકી દાસ ગુજરાન ચલાવવા માટે આજકાલ કોલકાતામાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. આ વાતની માહિતી ત્યારે સામે આવી જ્યારે દાસની પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ પ્રમાણે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે બિકી પોતાના ટૂ વ્હીલર પર જાેધપુર પાર્કથી રાનીકુઠી તરફ જઈ રહ્યો હતો.
અકસ્માત પછી બિકીની પત્નીએ કોલકાતાના લેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તપાસની માગણી કરી હતી. ઘટના બાદ ડાન્સરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે હવે તે જાેખમની બહાર છે. અકસ્માતમાં બિકીની પાંસળીઓ તૂટી ગઈ છે અને બીજી ઈજાઓ પણ થઈ છે. ડૉક્ટર્સે તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
બિકીએ ૨૦૧૪માં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની ચોથી સિઝનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. આ સિઝનમાં શ્યામ યાદવ વિજેતા હતો, જ્યારે મનન સચદેવ ફર્સ્ટ તથા બિકી દાસ સેકન્ડ રનરઅપ રહ્યો હતો. શો પૂરો થયા બાદ બિકીએ અનેક સ્ટેજ શોમાં કામ કર્યું હતું. મેન્ટર તરીકે પણ અનેક લોકોને ડાન્સ શીખવાડતો હતો. જાેકે, કોરોનાને કારણે દેશમાં લૉકડાઉન આવતા તેની પાસે કોઈ કામ રહ્યું નહીં. આથી જ તેણે ગયા અઠવાડિયે ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું હતું.