ડાયાબિટીસથી પીડિત રાંદેરનાં બિપીનભાઈ ૨૨ દિવસની લાંબી લડતના અંતે કોરોના સામેનો જંગ જીત્યા
સ્મીમેરનો નર્સિંગ સ્ટાફ ભોજન, દવા અને જરૂરી સારવાર માટે સેવાભાવના સાથે ખડેપગે રહે છે: બિપિનભાઈ
કોરોના વાયરસ વડીલો માટે જોખમી હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અવારનવાર અનુરોધ કરવામાં આવે છે. આવા સંજોગોમાં પણ ૫૦ વર્ષથી વધુ વયના દર્દીઓએ કોરોના ઉપર જીત મેળવી હોય એવા સેંકડો કિસ્સાઓ ઉજાગર થયાં છે.
સુરતના તાડવાડી, રાંદેર ખાતે રહેતા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી પીડિત ૬૫ વર્ષિય બિપીનભાઈ નાનાભાઈ પીપવાલાએ સ્મીમેર હોસ્પિટલમાં ૨૨ દિવસની સારવાર બાદ કોરોના સામેનો જંગ જીત્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સઘન સારવાર મેળવ્યા બાદ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફરતા બિપીનભાઈનો પરિવાર ખૂબ જ ખુશખુશાલ છે.
બિપિનભાઈ જણાવે છે કે, તા.૫મી એપ્રિલે કોરોના લક્ષણો આવ્યા બાદ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એ જ દિવસે પરિવાર દ્વારા સ્મીમેરમાં દાખલ કરાયો હતો. શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા થઈ રહી હતી. જેથી તા.૯મી એપ્રિલ સુધી બાયપેપ પર રાખવામાં આવ્યો, એ સમયે ઓક્સિજન લેવલ ૯૪ સુધી મેન્ટેન થતું હતું.
તા.૯મીથી ૧૫ લિટર ઓક્સિજન પર રાખ્યો, પરંતુ તા.૧૧મીએ સ્વાસ્થ્ય બગડતા ફરી એક દિવસ બાયપેપ પર રાખ્યા બાદ સ્વાસ્થ્યમાં સુધારો થતા તા.૧૫મીએ ૧૦ લિટર ઓક્સિજન પર શિફ્ટ કરાયો. ત્યારબાદ રિકવરી ખૂબ સારી હોવાથી મને તા.૨૦મીએ ૫ લિટર ઓક્સિજન અને તા.૨૩મીએ નોર્મલ એર રૂમ પર લેવામાં આવ્યો.
સ્મીમેરમાં મને સમયસર અને ખાનગી હોસ્પિટલમાં પણ ન મળે એવી સારવાર મળતાં ખૂબ સંતોષ છે. નર્સિંગ સ્ટાફ ભોજન, દવા અને જરૂરી સારવાર માટે ખડેપગે રહે છે, મને સ્વસ્થ કરનાર ઈશ્વર સમાન તબીબોનો આભાર માનુ એટલો ઓછો છે એમ બિપિનભાઈ જણાવે છે.
સ્મીમેરના સ્ટાફની સરાહના કરતા પીપવાલા પરિવારે જણાવ્યું કે, ઘર પરિવારની જેમ જ ડોક્ટરો અને નર્સ સ્ટાફે અમારા સ્વજનની સારસંભાળ રાખી હતી.સ્મીમેરની PICU વોર્ડની ટીમ અને સંપૂર્ણ તબીબી સ્ટાફની સઘન અને સુવ્યવસ્થિત સારવારથી તા.૨૩ એપ્રિલથી તેમનું ઓક્સિજન લેવલ ૯૨ પર મેઇન્ટેન થયું. અને આખરે ૨૨ દિવસની સારવાર બાદ બિપીનભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા.
સ્મીમેર હોસ્પિટલ અને તેના આરોગ્યકર્મીઓની પૂરતાં જતન અને ઉમદા સારવારથી અનેક વરિષ્ઠ નાગરિકો કોવિડ-૧૯ સામે જંગ જીત્યા છે અને નવજીવન પામ્યા છે.