ડાયાબિટીસના દર્દીએ હવે પગ નહીં કપાવવો પડે: મલમ એક જ વાર લગાવવાથી 30 દિવસમાં ઘા રુઝાશે
અમદાવાદ, ડાયાબિટીસમાં પગની સમસ્યા સામાન્ય છે. ડાયાબિટીસનો દર્દીઓમાં 60 ટકા દર્દીઓને પગની તકલીફો થતી હોય છે. લોહીમાં શુગરનું વધુ પ્રમાણ લાંબા ગાળે આ સમસ્યા સર્જે છે.
કેટલીક વખત પગની તકલીફને કારણે દર્દીને અંગૂઠો, આંગળીઓ તેમજ પગ કપાવવાનો વારો આવે છે, જે અત્યંત ખર્ચાળ હોવાની સાથે લાંબા સમય સુધી હોસ્પિટલમાં પણ રહેવું પડે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓના ઘા ઝડપથી રુઝાય એ દિવસો પણ હવે બહુ દૂર નથી.
અમદાવાદના બે વૈજ્ઞાનિક સંજય ભગત અને વિશાલ જોશીએ સૌપ્રથમવાર એક એવી દવાનું સંશોધન કર્યું છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
આ બન્ને ડૉક્ટરોએ સંશોધન કરીને તૈયાર કરેલી દવા દર્દીના ઘાને ઝડપથી ભરી શકે છે, જેથી આ પ્રકારના દર્દીઓને ભવિષ્યમાં કેન્સર થવાનું કે શરીરના અંગ કપાવવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ બન્ને ડોક્ટરે ડો.ક્રાંતિ વોરા અને ડો.સેંથિલ નટેસને સાથે મળીને આ મલમ તૈયાર કર્યો છે.
ડો.સંજય ભગત અને ડો. વિશાલ જોશીએ LM ફાર્મસી કોલેજના સ્ટાર્ટ અપ ઈન્ક્યુબેશન સેન્ટરમાં ડોક્ટર ક્રાંતિ વોરા સાથે મળી ડાયાબિટીસના દર્દીઓ માટે અસહ્ય પીડાનું કારણ બનતી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. મલમ અથવા તો જેલ સ્વરૂપે તૈયાર કરેલું સોલ્યુશન ડાયાબિટીસના દર્દીઓને જ્યાં ઘાવ હોય ત્યાં લગાવવાથી 30 દિવસમાં રાહત મળતી હોવાનો દાવો કર્યો છે.