ડાર્ક વેબ દ્વારા ઈન્ટરનેશનલ ડીલરો પાસેથી ડ્રગ મેળવનાર બે શખ્સો ઝડપાયા
એલસીબીએ ૩.પર લાખના નશીલા પદાર્થો જપ્ત કર્યા, અન્ય છ ઈસમોના નામ ખૂલ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક મજબુત થઈ રહયું છે જેને પગલે પોલીસની વિવિધ એજન્સીઓ સક્રીય થઈ છે. જેના ભાગરૂપે બે દિવસ પહેલાં જ રવિવારે મોડી રાત્રે ગુજરાત એટીએસની ટીમે મોરબીમાંથી રૂપિયા ૬૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પણ એ દિશામાં કાર્યવાહી કરતા બે શખ્સોને સાડા ત્રણ લાખ રૂપિયા માદક પદાર્થો સાથે ઝડપી લીધાં છે.
આ બંને શખ્શો ક્રિષ્ટો કરન્સી દ્વારા ચુકવણી કરીને વિદેશથી ડાર્ક વેબ મારફતે આ નશીલા પદાર્થોની ખરીદી કરતા હોવાનું બહાર આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ મહિપાલસિંહને બોપલમાંથી વંદીત પટેલ (સેટેલાઈટ) તથા પાર્થ શર્મા (વેજલપુર) નામના શખ્શો માદક પદાર્થ લઈ વેચાણ માટે બોપલથી ઈસ્કોન ચોકડી તરફ જવાના હોવાની બાતમી મળી હતી જેના પગલે પીઆઈ એચ.બી. ગોહીલની આગેવાનીમાં એલસીબી તથા એસઓજીની ટીમો બનાવીને વોચમાં ગોઠવાયા હતા અને બાતમી અનુસારની કાર આવતાં જ તેને કોર્ડન કરી વંદીત તથા પાર્થને ઝડપી લેવામાં આવ્યા હતા તપાસ કરતાં કારમાંથી ૩.પર લાખના નશીલા પદાર્થ મળી આવ્યા હતા.
નારકોટીકસ અને સાયકોટ્રોપીક નશાકારક પદાર્થ મળ્યા
કારમાંથી પોલીસને ૩૦૦૦ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજાે, ૭પ હજાર રૂપિયાનું અમેરીકન ચરસ, ૩૩ હજાર રૂપિયાના ચરસના લાડુ, ૧.૧ર લાખ રૂપિયાનું સાયકોટ્રોપિક સબસ્ટન્સ ધરાવતું મેજીક મશરૂમ ઉપરાંત ૧.ર૯ લાખ રૂપિયાની કિંમતનું શેટર મળી આવ્યું હતું. એ સિવાય ચાર મોબાઈલ ફોન, લેપટોપ, ડિજીટલ વજન કાંટો અને કાર સહીત કુલ ૮.૮૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે.
એર કાર્ગો દ્વારા ડ્રગ્સ મંગાવ્યું
પ્રાથમિક તપાસમાં વંદીત પટેલ એજયુકેટેડ તથા ઈન્ટરનેટ, ડાર્ક વેબ, ઈન્ટરનેશનલ ડ્રગ્સ ચેઈન તથા ક્રિપ્ટોકરન્સીનો જાણકાર હોવાનું આવ્યું છે તેણે ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરીને ક્રિપ્ટો કરન્સીમાં ચુકવણું કરી કાર્ગો એર કુરીયર મારફતે ગુજરાતમાં જુદાં જુદા સ્થળોએ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. બાદમાં સમગ્ર ગુજરાતમાં બંને ડ્રગ્સનો વેપાર કરતાં હતા.
લોકલ ચરસ હિમાચલથી મંગાવ્યું અન્યોના નામ ખુલ્યા
ઉપરાંત લોકલ ચરસ તેમણે હિમાચલ પ્રદેશથી કુલ્લુ જીલ્લામાં રહેતા ગુડુભાઈ તથા ફેનીલભાઈ (મુળ રહે.સુરત) પાસેથી મંગાવ્યું હતું જેમાં નીલ પટેલ (બોપલ), વિપુલ ગોસ્વામી (શ્યામલ ચાર રસ્તા), જીલ પરાઠે (ઝાયડસ હોસ્પીટલ) તથા આકીબ સીદ્દીકી (વાપી) નામના શખ્શોના નામ પણ ખુલ્યા છે. એલસીબીએ હવે તેમને ઝડપી લેવાની દિશામાં તપાસ શરૂ કરી છે.